અમદાવાદીઓ 4 વર્ષ સુધી વાપરી શકે એટલી વીજળી 1 વર્ષમાં ઉત્પન્ન કરશે ગુજરાતનો આ પ્લાન્ટ, રાજકોટથી 3 ગણા મોટા વિસ્તારમાં થઈ રહ્યું છે નિર્માણ
ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી 30 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. આ એનર્જી પાર્કની સફળતા ભારત માટે પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે નિર્ણાયક છે.
ગુજરાતમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આ પાર્ક એટલો મોટો છે કે તેની આકાશમાંથી પણ સરળતાથી જોઈ શકાય છે. અદાણી ગ્રુપ દ્વારા ગુજરાતના કચ્છના રણમાં વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ રાજ્યમાં આશરે 20 બિલિયન ડોલરના ખર્ચે વિશાળ સૌર અને પવન ઉર્જા પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. લગભગ પાંચ વર્ષમાં તે સંપૂર્ણ રીતે બનીને તૈયાર થશે ત્યારે તે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક હશે. હાલમાં 551 મેગાવોટનો સોલાર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે એનર્જી પાર્કનું નિર્માણ
વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા કચ્છ જિલ્લામાં એનર્જી પાર્કનું બનાવવામાં આવી રહ્યો છે. કચ્છના રણ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા ખાવડા ગામમાં દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આ પાર્ક લગભગ 538 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં બની રહ્યો છે. જે વિસ્તાર રાજકોટ શહેર કરતાં લગભગ 3 ગણો મોટો છે. આ નવીનીકરણીય ઉર્જા પાર્કની સફળતા ભારત માટે પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને આબોહવા લક્ષ્યો હાંસલ કરવા તેમજ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અને સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે નિર્ણાયક છે.
રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં જ કેમ બનાવવામાં આવી રહ્યો છે ?
ગુજરાતના કચ્છમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા ખાવડા ગામ પાસે એક લાખ હેક્ટરથી વધુ જમીન ઉજ્જડ પડી છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં વન્યજીવ નથી, વનસ્પતિ નથી કે રહેણાક વિસ્તાર નથી. અદાણી ગ્રૂપના મતે આ જમીન સિવાય બીજો સારો વિકલ્પ કયો હોઈ શકે. બીજું કારણ એ છે કે અહીંનું હવામાન સૌર અને પવન ઉર્જા બંને માટે અનુકૂળ છે. જ્યારે એનર્જી પાર્ક બનાવવાની વાત આવી ત્યારે વેઘાકોટ બીએસએફ ચેકપોસ્ટની સામે આ ઉજ્જડ જમીનની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ આ વિસ્તાર સંવેદનશીલ છે. તેથી રક્ષા મંત્રાલય પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી.
વાર્ષિક 81 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક
2030 સુધીમાં ખાવડા એનર્જી પાર્ક સંપૂર્ણ રીતે કાર્યરત થતાં વાર્ષિક 81 અબજ યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે અમદાવાદીઓ લગભગ 4 વર્ષ સુધી વાપરી શકે તેટલી વીજળી ફક્ત એક વર્ષમાં આ પ્લાન્ટ ઉત્પન્ન કરશે. અમદાવાદ શહેરની વસ્તી લગભગ 80 લાખ છે. ગુજરાતમાં એક વ્યક્તિની સરેરાશ વીજળીની વપરાશ વાર્ષિક 2402 યુનિટ છે એટલે કે અમદાવાદીઓ વાર્ષિક 19 હજાર મિલિયન વીજળી વાપરે છે. આ પ્લાન્ટ વાર્ષિક 81 હજાર મિલિયન વીજળી ઉત્પન્ન કરે છે. તેથી અમદાવાદ માટે આ વીજળી 4 વર્ષ સુધી ચાલી શકે. ખાવડા એનર્જી પાર્કમાં ઉત્પન્ન થનાર 30 ગીગાવોટ ક્ષમતામાંથી 26 ગીગાવોટ સૌર ઉર્જા અને 4 ગીગાવોટ પવન ઉર્જાની ક્ષમતા હશે.
આ પાર્કના નિર્માણમાં કઈ કઈ કંપનીઓ સામેલ છે ?
એપ્રિલ 2020માં રક્ષા મંત્રાલયે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવા માટે લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ તેના બાંધકામની જવાબદારી જીઆઈપીસીએલ સહિત છ કંપનીઓને આપવામાં આવી હતી. આ કંપનીઓમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL), ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GSECL), NTPC લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), સુરજન રિયાલિટીઝ લિમિટેડ (SRL) અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SECI)નો સમાવેશ થાય છે.
આ પ્લાન્ટને 30 ગીગાવોટ ક્ષમતા સુધી લઈ જવાશે
હાલમાં 551 મેગાવોટનો સોલાર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનું કામ માત્ર 12 મહિનામાં પૂર્ણ થયું છે. કચ્છના રણમાં બનાવવામાં આવી રહેલા પ્લાન્ટ માટે રસ્તા સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એનર્જી પાર્ક માટે લગભગ 8000 કર્મચારીઓ કામ કરે છે. આગામી સમયમાં આ પ્લાન્ટ અંદાજે 15,200 નોકરીઓનું સર્જન કરશે. આ પ્લાન્ટને 2030 સુધીમાં 30 ગીગાવોટ ક્ષમતા સુધી લઈ જવાની યોજના છે. આ લક્ષ્ય હાંસલ કરવા સાથે ખાવડા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બની જશે.
કચ્છનું રણ રિન્યુએબલ ઉર્જા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. કચ્છના રણમાં પવન અને સૌર ઉર્જા સરળતાથી જનરેટ કરી શકાય છે. અદાણી ગ્રીન એનર્જીએ આ પ્લાન્ટ માટે ખાસ રિસર્ચ કર્યું છે. અદાણી ગ્રીન એનર્જી ગ્રીડ સાથે જોડાયેલ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ ચલાવે છે. કંપનીએ તાજેતરમાં રાજસ્થાનના જેસલમેરમાં 2140 મેગાવોટનો વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્લાન્ટ સ્થાપ્યો હતો.
રિન્યુએબલ એનર્જી પાર્કથી ગુજરાતને શું ફાયદો ?
આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાત સહિત દેશના કરોડો ઘરોને રોશન કરશે અને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે. આ PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે તૈયાર થયા બાદ ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર બનશે. અહીં ઉત્પન્ન થતી વીજળી ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, આ હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પાર્કમાંથી ઉત્પન્ન થતી વીજળીથી ખેડૂતો અને ઉદ્યોગોને ફાયદો થશે. વીજળીનું બિલ ઘટશે. એક લાખ લોકોને રોજગારીની નવી તકો મળશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પાર્કમાંથી ઉત્પન્ન થતી વીજળી દર વર્ષે પાંચ કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડને રોકવામાં મદદ કરશે. પર્યાવરણની દૃષ્ટિએ જોવામાં આવે તો પાંચ કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડને રોકવા માટે નવ કરોડ વૃક્ષો વાવવા પડે ત્યારે આટલો કાર્બન ડાયોક્સાઈડ ઓછો કરી શકાય.
એનર્જી પાર્કના નિર્માણ સામે આ પડકારો પણ છે
અત્યંત ખારા પાણીના આ વિસ્તારમાં અનેક પડકારો છે. માર્ચથી જૂન મહિના દરમિયાન આ વિસ્તારમાં ધૂળની ડમરીઓ આવે છે, આ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવીટી અને પરિવહન જેવી માળખાકીય સુવિધાઓ નથી, નજીકના રહેવા યોગ્ય સ્થળ નથી, એનર્જી પાર્કથી લગભગ 80 કિલોમીટર દૂર રહેણાક વિસ્તાર છે. પ્રાથમિક સુવિધાના અભાવે મજૂરો પણ જલ્દી નોકરી છોડી દે છે. તો ચોમાસામાં વરસાદનું પાણી જમીનની નીચે ઉતરતું નથી અને અહીંનું ભૂગર્ભ જળ પણ બહુ ખારું છે. આ પડકારો હોવા છતાં અદાણી ગ્રૂપ રેન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કરી રહી છે. આ વિસ્તાર પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે, જેના કારણે તે સુરક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે એટલે કે ‘નો-ગો-ઝોન’ છે.
એનર્જી પાર્કનું બાંધકામ 2022માં શરૂ થયું હતું
અદાણી ગ્રીન એનર્જી હાલમાં 7,393 મેગાવોટ સોલર, 1,401 મેગાવોટ વિન્ડ અને 2,140 મેગાવોટ વિન્ડ-સૌર હાઇબ્રિડ ક્ષમતાના પ્લાન્ટ ધરાવે છે. ખાવડાની જે જમીન એનર્જી પાર્કક માટે આપવામાં આવી છે ટે સરકારની માલિકીની છે, જેને 40 વર્ષ માટે અદાણી ગ્રુપને લીઝ પર આપવામાં આવી છે. આ એનર્જી પાર્ક બનાવવાનું કામ 2022માં શરૂ થયું હતું.
આ વર્ષે ડિસેમ્બર 2024 સુધીમાં 50 ટકા કામ પૂર્ણ થઈ જશે. જેની સાથે 14 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થશે. જ્યારે હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ડિસેમ્બર 2026માં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે, ત્યારબાદ 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ જશે અને 2030 સુધીમાં આ ટાર્ગેટ હાંસલ કરવાની યોજના છે. જે 1 કરોડથી વધુ ઘરોને વીજળી આપશે.