રાજકોટના ચૂંટણી સંગ્રામમાં હાલ પત્રિકા કાંડની ખુબ ચર્ચા થઇ રહી છે. રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે ઝેર ફેલાવતી પત્રિકા વાયરલ થઈ. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને 4 પાટીદાર યુવકોની અટકાયત કરી. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તમામને 15 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા.જે બાદ પત્રિકા કાંડમાં નવો વળાંક આવ્યો અને ભાજપ નેતા મહેશ પીપળિયાએ આરોપીઓના CCTV જાહેર કર્યા જેમાં આરોપીઓ ઘરે ઘરે જઈ પત્રિકા વિતરણ કરતા દેખાયા. પોલીસ તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો. તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ ખુલ્યુ. જે મામલે પોલીસ શરદ ધાનાણીની પૂછપરછ કરી શકે છે.
હવે ભાજપ તરફથી માંગણી થઇ રહી છે કે. પત્રિકા વાયરલ કરનારા સામે સખ્તમાં સખ્ત કાર્વયાહી કરવામાં આવે. પત્રિકા વિવાદ મામલે શરદ ધાનાણીના બચાવમાં આવી રાજકોટ કોંગ્રેસ. રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ભાજપ પર પ્રહાર કર્યા છે અને દાવો કર્યો છે કે પત્રિકા નાખવી એ કોઇ ગુનો નથી. ભાજપ ખોટી રીતે બદનામ કરી રહ્યું છે
પત્રિકા વિવાદ પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહનું કહેવું છે કે હાલ પોલીસ દ્વારા લેઉવા પટેલ સમાજના યુવાનોને દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
ક્ષત્રિયોના વિરોધના કારણે રાજકોટની બેઠક હાલ સૌથી હોટ બેઠક બની ગઇ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓેને વિશ્વાસ છે કે જો દક્ષિણ અને લેઉવા પાટીદારના મતો તેઓને મળશે. તેઓ રાજકોટની ચૂંટણી જીતી શકે છે. જેથી હાલ પત્રિકા જેવા વિવાદ થઇ રહ્યા. ત્યારે હવે સવાલ એ છે કે આ વિવાદથી કોને ફાયદો થશે. અને કોને થશે નુકસાન?
Published On - 8:30 pm, Sun, 5 May 24