ઇફકોમાં જયેશ રાદડિયાના વિજય પાછળ શું છે પડદા પાછળની કહાની,જાણો કોના ઇશારે રાદડિયા ઉતર્યા મેદાને
સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો રહ્યો છે.ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે,ભાજપ દ્રારા આ સીટ પર અમદાવાદના બિપીન ગોતાને સમર્થનમાં આપવામાં આવ્યું હતું. જો કે ભાજપના વ્હિપનો ઉલાળિયો કરીને જયેશ રાદડિયા ઇફ્કોના ડિરેક્ટર બન્યા છે.
સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો રહ્યો છે.ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે,ભાજપ દ્રારા આ સીટ પર અમદાવાદના બિપીન ગોતાને સમર્થનમાં આપવામાં આવ્યું હતું. જો કે ભાજપના વ્હિપનો ઉલાળિયો કરીને જયેશ રાદડિયા ઇફ્કોના ડિરેક્ટર બન્યા છે.
રસપ્રદ વાત એ છે કે ઇફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં શા માટે ભાજપના જ નેતાઓ આમને સામને આવ્યા ? જયેશ રાદડિયાએ કોના ઇશારે ફોર્મ પરત ન ખેંચ્યું અને ભવ્ય વિજય થયો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી ક્ષેત્રોમાં ભાજપના કાર્યકર્તાઓનો દબદબો રહે તે માટે છેલ્લા કેટલાક સમયથી સહકારી વિભાગની ચૂંટણીઓમાં પણ સમર્થન જાહેર કરવામાં આવતું હતું.ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ગુજરાતના ડિરેક્ટર પદે બીપીન ગોતાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે તેની સામે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન જયેશ રાદડિયાએ પાર્ટી વિરુદ્ધ ફોર્મ ભર્યું હતું.
ફોર્મ પરત ન ખેંચાતા રાજકારણ ગરમાયુ હતુ
જયેશ રાદડિયાએ ફોર્મ ભરતા ડિરેક્ટર પદની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાને હતા. જેમાં રાજકોટથી જયેશ રાદડિયા, અમદાવાદથી બીપીન પટેલ, તથા મોડાસાથી પંકજ પટેલ ફોર્મ ભર્યા બાદ ફોર્મ પરત ખેંચવાના આખરી દિન સુધી ત્રણેય પૈકી એક પણ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા સહકારી ક્ષેત્રનું તથા ભાજપનું રાજકારણ ગરમાયું હતું.
જ્યારે ઇફકોની ચૂંટણી થઈ અને પરિણામ આવ્યું તેમાં જયેશ રાદડિયા નો ભવ્ય વિજય થયો. ઇકોના કુલ 182 મતદારો પૈકી 180 મતદારોએ મતદાન કર્યું જેમાં જયેશ રાદડિયાને 113 મતો મળ્યા જેની સામે બીપીન ગોતાને 67 મતો મળ્યા.આ સીટ પર ચૂંટણી પહેલા પંકજ પટેલે પોતાનું સમર્થન બીપીન ગોતાને જાહેર કરી દેતા ચૂંટણીમાં ગરમાવો આવી ગયો હતો.જો કે તો પણ બિપીન ગોતાની હાર થઇ હતી.જયેશ રાદડિયા પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા વ્હિપનો અનાદર કરીને સહકારી ક્ષેત્રનો પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.
શા માટે જયેશ રાદડિયા થયા વિજેતા ?
હવે સવાલ એ થાય કે શા માટે જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર પદે વિજેતા થયા,તો સાંભળો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે જયેશ રાદડિયા ના પિતા વિઠ્ઠલ રાદડિયા સહકારી ક્ષેત્રમાં જે ક્રાંતિ લાવ્યા તેના કારણે આજે પણ જયેશ રાદડિયા આ સહકારી વારસાના મીઠા ફળ ખાઈ રહ્યા છે.
જો ઇફકોની ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ 182 મતદારો પૈકી 43 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે. જ્યારે રાજકોટ ઝોનના 68 મતદારો છે સાથે અમરેલી ઝોનના 27 જેટલા મતદારો મળીને 95 મતદારો સૌરાષ્ટ્ર વિસ્તારના છે. જેના કારણે જયેશ રાદડિયાની જીત આસન થઈ જાય છે. રાજકોટની સાથે સાથે દિલીપ સંઘાણીએ પણ જયેશ રાદડિયાને સમર્થન આપતા રાદડિયાની આ જીત વધુ આસાન બની હતી.
કોના આર્શીવાદથી જયેશ રાદડિયાએ ફોર્મ પરત ન ખેંચ્યું ?
રાજકારણમાં દરેક પરિબળ પોતાની રીતે એક અલગ પરિબળ હોય છે અને આ ચૂંટણીમાં પણ કંઈક એવું જ થયું.ઇફકોની આ ચૂંટણીમાં અમદાવાદના બીપીન ગોતાને પ્રદેશ ભાજપ દ્વારા ભલે સમર્થન આપવામાં આવ્યું હોય, પરંતુ ચૂંટણી જીતવાનો જાદુઈ આંક જયેશ રાદડિયા પાસે હતો અને એટલા માટે જ આ વાત દેશના સહકારિતા મંત્રી અમિત શાહ સુધી કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અમિત શાહ જ્યારે જામકંડોરણા જનસભાને સંબોધન કરવા આવ્યા ત્યારે આ તખ્તો ગોઠવાઈ ગયો હતો. જયેશ રાદડિયાની સાથે દિલીપ સંઘાણી અને મનસુખ માંડવીયાએ અમિત શાહને ઇફકોની ચૂંટણી અંગે રજૂઆત કરી હતી. એવું કહેવાય છે કે અમિત શાહને વિશ્વાસમાં લઇને રાદડિયા દ્વારા આ દાવ ખેલવામાં આવ્યો હતો.
જયેશ રાદડિયા દ્વારા પક્ષથી ઉપરવટ જઈને લડવામાં આવેલી આ ચૂંટણીમાં કાયદાકીય ગુંચ ન આવે તે માટે પણ વિશેષ તકેદારી લેવાઇ છે,આ ચૂંટણી કોઇ પક્ષના નામ કે સિમ્બોલ સાથે લડાતી નથી. જેથી મેન્ડેન્ટના અનાદરનો છેદ ઉડી જાય છે.
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી બાદ ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ. જેમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.સહકારી ક્ષેત્રની આ ચૂંટણી અત્યાર સુધી રાજકીય પક્ષોની દખલગીરીથી સીધી રીતે દૂર હતી, પરંતુ આ વખતે સ્થિતિ અલગ હતી અને ભાજપના જ ત્રણ નેતાઓ આમને સામને આવી ગયા હતા પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેમાં કોઇ પક્ષની છાપ નહિ પરંતુ પરંપરા જળવાઇ હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું.આ ઘટનાએ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રાદડિયાના દબદબાને કાયમ રાખ્યો છે.