માસ્ટર સ્ટોક, ભારત-ઈરાને કરેલા એક નિર્ણયથી, ચીન-પાકિસ્તાન-અમેરિકા હેરાન પરેશાન
અત્યાર સુધી ઈરાન, અફઘાનિસ્તાન અને રશિયા જેવા દેશોમાં પહોંચવા માટે ભારતને પાકિસ્તાનની દરિયાઈ સીમામાંથી પસાર થવું પડતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રતિબંધોની ધમકી બાદ પણ ભારત આ કરારમાંથી પીછેહઠ કરી નથી. જે સાબિત કરે છે કે, આવનારા સમયમાં ભારતનો આ નિર્ણય માસ્ટર સ્ટોક સાબિત થશે.
ઈરાનની સાથે મળીને ભારતે એક દુરોગામી અસર કરતો નિર્ણય કર્યો છે. વૈશ્વિક દુનિયામાં માસ્ટર સ્ટોક સમાન કહી શકાય તેવા નિર્ણયમાં, ભારત હવે ઈરાનના ચાબહાર બંદરનુ સંચાલન કરશે. ચાબહાર બંદરને કારણે ભારત હવેથી મધ્ય એશિયા, અફઘાનિસ્તાન ઉપરાંત રશિયામાં સરળતાથી પ્રવેશી શકશે. ચાબહાર બંદરના સંચાલન માટે ભારતે ઈરાનની સાથે મળીને કરાર પર હસ્તાક્ષર કર્યાં છે.
મધ્ય એશિયામાં આવેલા ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બનેલું આ ચાબહાર બંદર ભારતની સૌથી નજીક છે, જેનું ગુજરાતના કંડલા બંદરથી અંતર 550 નોટિકલ માઈલ છે. આ સિવાય મુંબઈથી આ અંતર 786 નોટિકલ માઈલ છે. ભારતને આ બંદર દ્વારા ઈરાન, અફઘાનિસ્તાન અને રશિયા જેવા દેશોમાં મોટા જહાજો મોકલવામાં મદદ મળશે, જેની વર્તમાન સમયમાં ખૂબ જરૂર હતી.
અત્યાર સુધી ઈરાન, અફઘાનિસ્તાન અને રશિયા જેવા દેશોમાં પહોંચવા માટે ભારતને પાકિસ્તાનની દરિયાઈ સીમામાંથી પસાર થવું પડતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રતિબંધોની ધમકી બાદ પણ ભારત આ કરારમાંથી પીછેહઠ કરી નથી. જે સાબિત કરે છે કે, આવનારા સમયમાં ભારતનો આ નિર્ણય માસ્ટર સ્ટોક સાબિત થશે.
ઈરાનના ચાબહાર બંદરના નિર્માણથી ભારતને પાકિસ્તાનને ઘેરવાની તક મળશે. તેની સાથોસાથ ભારતને હવે અફઘાનિસ્તાનમાં સીધો પ્રવેશ મળી શકશે. દરિયાઈ માર્ગે ઈરાન સુધી પહોંચી શકશે અને ત્યાંથી ભારત માટે મધ્ય એશિયા અને રશિયા સુધી પહોંચવું ખુબ સરળ બનશે.
ઈરાને ચાબહાર બંદર 1973માં શરૂ કર્યું હતું. 30 વર્ષ બાદ 2003માં ભારતે ચાબહાર પોર્ટ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું કે આનાથી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે ભારતને જોડવામાં મદદ મળશે. આ પછી 2008માં ભારત અને ઈરાન વચ્ચે આ અંગે સમજૂતી થઈ હતી.
જોકે, ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ચાબહાર બંદરના સંચાલન અને વિકસાવવામાં વિલંબ થયો હતો. જો કે હવે ભારત અને ઈરાન બંને દેશો વચ્ચે સમજૂતીના કરાર થઈ ગયા છે. ભારતે કરેલા કરાર અનુસાર, આગામી 10 વર્ષ સુધી ચાબહાર પોર્ટનું સંચાલન ભારત પાસે રહેશે. પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી, ભારતે ચાબહાર તરફ ઝડપી પગલાં લીધાં.
પીએમ મોદી 2016માં ઈરાન ગયા હતા. આ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાન, ભારત અને ઈરાન વચ્ચે ચાબહારને લઈને સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી જ્યારે હસન રુહાની 2018માં દિલ્હી આવ્યા હતા ત્યારે આ પ્રોજેક્ટમાં ભારતની ભૂમિકા વધારવાની વાત થઈ હતી. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર જ્યારે ઈરાન પહોંચ્યા ત્યારે આને મંજૂરી મળી ગઈ.