વિશ્વની સૌથી લાંબી ટ્રેન કઈ છે ? ટ્રેનના એક છેડેથી બીજા છેડા સુધી જવામાં લાગે છે કલાકો
આજના યુગમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી લાંબી ટ્રેન કઈ છે અને તેમાં કેટલા કોચ છે. આજે અમે આ ટ્રેન કઈ છે, તેની લંબાઈ કેટલી છે અને આ ટ્રેન કયાં દોડાવવામાં આવે છે તેની માહિતી આપીશું.
આજે ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. મુસાફરો ઉપરાંત એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડવા માટે પણ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત અને વિશ્વની સૌથી લાંબી ટ્રેન કઈ છે અને તેમાં કેટલા કોચ છે ? આજે અમે આ લેખમાં તેના વિશે જાણકારી આપીશું.
વિશ્વની સૌથી લાંબી ટ્રેન
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની BHP આયર્ન ઓર દુનિયાની સૌથી લાંબી ટ્રેન છે. આ ટ્રેન જૂન 2001માં શરૂ કરવામાં આવી હતી અને તેની લંબાઈ લગભગ 4.6 માઈલ એટલે કે 7.353 કિમી હતી. વિશ્વના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રેન છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પિલબારા વિસ્તારમાં BHPની પોતાની ખાનગી રેલ લાઇન છે. તેને માઉન્ટ ન્યુમેન રેલવે કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ રેલ નેટવર્ક આયર્ન ઓરના પરિવહન માટે તૈયાર કરવામાં આવી છે. BHP આ વિસ્તારમાં વધુ એક રેલ લાઇન ચલાવે છે, જેને ધ ગોલ્ડસવર્થી રેલવે કહેવાય છે.
ઓસ્ટ્રેલિયન BHP આયર્ન 7.3 કિમી લાંબી છે. આ ટ્રેન લાંબી હોવાની સાથે વિશ્વની સૌથી લાંબી અને ભારે માલગાડી પણ છે. આ ટ્રેનમાં 682 કોચ છે, આ ટ્રેનને 8 જનરલ ઇલેક્ટ્રિક એસી 6000 CW ડીઝલ લોકોમોટિવ્સ એન્જિન દ્વારા ખેંચવામાં આવી હતી. આ ટ્રેને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના યાન્ડી માઇનથી પોર્ટ હેડલેન્ડ સુધીની 275 કિમીની મુસાફરી 10 કલાક અને ચાર મિનિટમાં પૂર્ણ કરી હતી. જો કે, રસ્તામાં ખામીના કારણે ટ્રેનની મુસાફરી 4 કલાક અને 40 મિનિટ મોડી પડી હતી. તે દરમિયાન આ ટ્રેનમાં 82,000 ટન આયર્ન ઓર લોડ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન એટલી લાંબી હતી કે તેમાં 24 એફિલ ટાવર સમાઈ શકે. કારણ કે એફિલ ટાવરની લંબાઈ 300 મીટર છે. આ ટ્રેનનું વજન લગભગ એક લાખ ટન હતું.
આજે પણ દોડે છે આ ટ્રેન
તમને જણાવી દઈએ કે આજે પણ BHP આયર્ન ઓર ટ્રેન દોડે છે. તેમાં 270 કોચ છે, જેને ચાર ડીઝલ લોકોમોટિવ એન્જિન દ્વારા ખેંચવામાં આવે છે. આ ટ્રેન લગભગ 38,000 ટન આયર્ન ઓર વહન કરે છે. જોકે આ પહેલા સૌથી લાંબી ટ્રેનનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો. 1991માં 71,600 ટન વજન વહન કરતી ટ્રેન દોડાવવામાં આવી હતી. આ ટ્રેન સાઈશેનથી સલદાન્હા વચ્ચે દોડી હતી અને તેમાં લોખંડ ભરેલો હતો. તેમાં 660 વેગન હતા અને તેની લંબાઈ 7,200 મીટર હતી. તેને ખેંચવા માટે નવ ઇલેક્ટ્રિક અને સાત ડીઝલ લોકોમોટિવ એન્જિન લગાવવામાં આવ્યા હતા.
ભારતની સૌથી લાંબી ટ્રેન
ભારતીય રેલવેએ વર્ષ 2022માં 15મી ઓગસ્ટે દેશની સૌથી લાંબી અને ભારે ટ્રેન ચલાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેને સુપર વાસુકી નામ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, 3.5 કિલોમીટર લાંબી ગુડ્સ ટ્રેનને ખેંચવા માટે એક કે બે નહીં પરંતુ પાંચ એન્જિન લગાવવામાં આવ્યા હતા. આ ટ્રેનના 295 કોચમાં 27,000 ટન કોલસો ભરવામાં આવ્યો હતો. તે છત્તીસગઢના કોરબાથી નાગપુર સુધી દોડી હતી અને 267 કિલોમીટરની સફર 11 કલાક 20 મિનિટમાં પૂરી કરી હતી. અગાઉ રેલવેએ એનાકોન્ડા અને શેષનાગ જેવી ટ્રેનો પણ દોડાવી હતી.