વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (14 May 2024) મંગળવારે સતત ત્રીજીવાર વારાણસીથી નામાંકન દાખલ કર્યુ છે. નામાંકન પહેલા પીએમ મોદીએ વારાણસી, લોકસભા ચૂંટણી અને મા ગંગાનું મહત્વ સહિતના મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ જણાવ્યુ “હું કોમર્શિયલ અને ફાયનાન્શિયલ માઈન્ડથી વિચારુ તો આ દેશ 140 કરોડનું માર્કેટ છે. જે ગંગાસ્નાન માટે જવા માગે છે. ચારધામ જવા ઈચ્છે છે. દ્વાદશ જ્યોતિર્લિંગ જવા ઈચ્છે છે અને જે અષ્ટગણેશની પૂજા કરવા માગે છે. આ બધામાં મેં ઈકોમોની પણ જોઈ છે અને ભવિષ્ય પણ જોયુ છે. જ્યારે આપ પોતાની ચીજોનું સન્માન કરો છો તો સમગ્ર વિશ્વ આપનું સન્માન કરે છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું “મેં જી-20માં એક પ્રયોગ કર્યો હતો. મેં નક્કી કર્યું હતું કે હું G20ને મોદી સુધી સીમિત નહીં રાખુ. હું જી-20ને દિલ્હી સુધી સીમિત નહીં રાખુ. અમે દેશમાં અલગ-અલગ સ્થળોએ G20ની 200 બેઠકો યોજી. પરિણામ એ આવ્યું કે G20નું કામ તો થયું પરંતુ વૈશ્વિક નેતાઓને પણ દેશની વિવિધતા વિશે જાણકારી મળી.”
પીએમ મોદીએ કહ્યું “G20 દરમિયાન વિશ્વભરમાંથી અંદાજે એક લાખ લોકો ભારત આવ્યા હતા. આ લોકો વિશ્વના મહત્વના દેશોની નિર્ણય પ્રક્રિયામાં મહત્વ ધરાવતા હતા. આ લોકોએ આખા દેશને જોયો. તેમને ખબર પડી કે આ દેશ ઘણો મોટો અને વિવિધતાથી ભરેલો છે. તો આ રીતે મેં મારા દેશની બ્રાન્ડિંગ માટે G20 નો ઉપયોગ કર્યો.”
પીએમએ કહ્યું “દુનિયાનો કોઈ પણ નેતા આવે, હું તેને ગંગા આરતી કરાવું છું. આમ કરીને હું તેમનું હિંદુકરણ નથી કરી રહ્યો. હું તેમને પ્રકૃતિ પ્રત્યેનો આપણો પ્રેમ બતાવું છું, આપણે પ્રકૃતિ પ્રત્યે કેટલા સમર્પિત છીએ એ સમજાવુ છુ.. આપણે પ્રકૃતિનો વિનાશ કરનારા લોકો નથી. આપણે પ્રકૃતિનું જતન કરનારા લોકો છીએ. વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે પરંતુ હું ગંગા આરતી કરીને બતાવું છું કે ગ્લોબલ વોર્મિંગનું સમાધાન પ્રકૃતિ પ્રત્યેની ભક્તિમાં રહેલુ છે.”
લોકસભા ચૂંટણીમાં જીતના આશાવાદ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું “અમે 400 પાર કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આ 400 પાર દેશની ભાવના છે. ભગવાને મને મોકલ્યો છે. પરમાત્માએ મારી પાસેથી કામ લેવાનું નક્કી કર્યું છે. પુરુષાર્થ કરવાની દિશા પણ પરમાત્મા આપે છે. આ બધી ઈશ્વરની કૃપા છે. 400 પાર એ કોઈ સ્લોગન નથી. આ દેશના 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે.”
પીએમએ કહ્યું “કદાચ ભગવાને જ મને કોઈ કામ માટે મોકલ્યો છે. પરમાત્માએ મને ભારત ભૂમિ માટે પસંદ કર્યો છે અને એક રીતે હું તમામ સંબંધોથી વિરક્ત રહી દરેક કામને પરમાત્માની પૂજા સમજી કરુ છુ. હું 140 કરોડ દેશવાસીઓને ભગવાનનું સ્વરૂપ માનું છું. ઈશ્વરે મને જે પણ જીવન આપ્યું છે, તેની દરેક ક્ષણ અને મારા શરીરનો એકેએક કણ માત્ર મા ભારતી માટે છે.”
Published On - 12:33 pm, Tue, 14 May 24