Sagar Solanki |
Apr 22, 2024 | 9:04 PM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવી મોંઘી પડી. IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કોહલીને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રવિવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં KKRએ RCBને એક રનથી હરાવ્યું હતું. IPL 2024 સીઝનમાં આઠ મેચોમાં આરસીબીની આ સાતમી હાર હતી.
KKR અને RCB વચ્ચેની મેચ દરમિયાન કોહલીના આઉટ થવા પર વિવાદ થયો હતો અને કોહલીએ થર્ડ અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મેચમાં KKRએ RCBને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ ક્રીઝ પર આવ્યા હતા અને બંને બેટ્સમેનોએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ કોહલીએ ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાના બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
કોહલીએ રિવ્યુ લીધો, પરંતુ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. ત્રીજી ઓવર નાખવા આવેલા હર્ષિતે પહેલા જ બોલ પર ઓફ સ્ટમ્પ સઇડ કમર પર ફુલ ટોસ ફેંકીને કોહલીને ચોંકાવી દીધો હતા. કોહલી બોલને ઓન સાઇડમાં ફટકારવા માગતો હતો, પરંતુ તેની બેટની સાઈડ ફેરવાઇ અને બોલ અંદરની કિનારીએ ટચ કરીને કીપરની પાછળની સાઈડ ગયો.
કોહલીએ તરત જ ડીઆરએસ લીધું. કોહલીનું માનવું હતું કે બોલ કમરથી ઉપર આવી ગયો છે અને તેને નો બોલ કહેવો જોઈએ. જો કે ટીવી અમ્પાયરે હોક આઈ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો અને તેમના અનુસાર કોહલીને આઉટ આપવામાં આવ્યો હતો કારણ કે તે ક્રિઝની બહાર ગયો હતો, પરંતુ કોહલી થર્ડ અમ્પાયરના નિર્ણયથી નિરાશ થયો હતો.
IPLએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "RCBના બેટ્સમેન વિરાટ કોહલીને ઈડન ગાર્ડન્સ ખાતે KKR સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. કોહલીએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.8નો લેવલ-1નો ગુનો કર્યો હતો. તેણે તેના પર લાગેલા આરોપો અને મેચ રેફરી દ્વારા લાદવામાં આવેલ દંડનો સ્વીકાર કર્યો.