IPL 2024: વરસાદે શુભમન ગિલની આશા પર પાણી ફેરવ્યું, ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણે જ થયું બહાર
અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેમની 'કરો યા મરો' મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત ટાઈટન્સની IPL 2024ની સફર તેમના ઘરે જ સમાપ્ત થઈ, પરંતુ કોલકાતા નાઇટ રાઈડર્સને આ વરસાદથી ચોક્કસપણે ફાયદો થયો કારણ કે 1 પોઈન્ટ મેળવવાની સાથે, તેમના ટોપ-2માં રહેવાની પુષ્ટિ થઈ હતી અને તેનો ફાયદો ટીમને મળશે પ્લેઓફમાં.
IPL 2024માં ગત સિઝનની રનર-અપ ગુજરાત ટાઈટન્સની સફર પૂરી થઈ ગઈ છે. અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેમની ‘કરો યા મરો’ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત ટાઈટન્સની પ્લેઓફમાં પહોંચવાની આશા સદંતર નાશ પામી હતી. ગુજરાતની છેલ્લી 4માં પહોંચવાની તકો પહેલાથી જ ઘણી ઓછી હતી પરંતુ તેની છેલ્લી 2 મેચમાં મોટી જીત સાથે તે આમ કરવાની આશા રાખી શકતું હતું પરંતુ તેની આશા ઘરઆંગણે જ વરસાદને કારણે ઠગારી નીવડી હતી.
અમદાવાદમાં વરસાદે બગાડી મજા
અમદાવાદમાં યોજાનારી આ મેચ બંને ટીમો માટે અલગ-અલગ કારણોસર મહત્વની હતી. ગુજરાત માટે, તે પ્લેઓફમાં બન્યા રહેવા માટેની અંતિમ તક હતી, જ્યારે કોલકાતા માટે પોઈન્ટ ટેબલમાં પ્રથમ અથવા બીજું સ્થાન મેળવવા માટે વિજય જરૂરી હતો. ગુજરાતની આશા ઠગારી નીવડી પરંતુ કોલકાતાએ ચોક્કસપણે તેનો ઉદ્દેશ્ય સિદ્ધ કર્યો.
વરસાદના કારણે ટોસ પણ ન થઈ શક્યો
આ મેચ પહેલા ગુજરાતના 12 મેચમાં 10 પોઈન્ટ હતા પરંતુ તેમનો નેટ રન રેટ ખૂબ જ ખરાબ હતો. આવી સ્થિતિમાં તેને બાકીની બે મેચમાં મોટી જીતની જરૂર હતી. પરંતુ સાંજે અચાનક શરૂ થયેલા વરસાદે મજા બગાડી દીધી હતી. એકવાર વરસાદ શરૂ થયો, તે અટક્યો નહીં અને અંતે 10.35 વાગ્યે બંને કેપ્ટનની સાથે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.
Update from Ahmedabad
Match 6️⃣3️⃣ of #TATAIPL 2024 between @gujarat_titans & @KKRiders has been abandoned due to rain ️
Both teams share a point each #GTvKKR pic.twitter.com/Jh2wuNZR5M
— IndianPremierLeague (@IPL) May 13, 2024
ગુજરાત માટે પ્લેઓફના દરવાજા બંધ
આ કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો હતો પરંતુ તેના કારણે ગુજરાત માટે પ્લેઓફના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. ટીમ હવે માત્ર 13 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું ન હતું. આ રીતે સુકાની તરીકે શુભમન ગિલની IPL કારકિર્દી નિરાશા સાથે સમાપ્ત થઈ. હવે તેમની પાસે છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત નોંધાવીને ટુર્નામેન્ટને મજબૂત રીતે સમાપ્ત કરવાની તક હશે.
કોલકત્તાને મોટો ફાયદો
તો બીજી તરફ આ વરસાદથી કોલકાતાને ફાયદો થયો કારણ કે 1 પોઈન્ટ મેળવવા સાથે, પોઈન્ટ ટેબલમાં પ્રથમ અથવા બીજા સ્થાને તેનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. કોલકાતાના 13 મેચમાં 19 પોઈન્ટ છે અને હવે માત્ર રાજસ્થાન રોયલ્સ જ તેનાથી આગળ વધી શકે છે, જેની પાસે 16 પોઈન્ટ છે અને 2 મેચ બાકી છે. તેનો ફાયદો એ થશે કે જો તે પ્રથમ ક્વોલિફાયરમાં જીતશે તો તેને સીધી ફાઈનલમાં સ્થાન મળશે, જ્યારે હારના કિસ્સામાં તેમને બીજી તક મળશે.
આ પણ વાંચો : IPL 2024: KL રાહુલ LSG છોડશે? સંજીવ ગોયન્કા સાથેના વિવાદ બાદ આવ્યા મોટા સમાચાર