IPL 2024 : KKR પ્લેઓફમાં પહોંચ્યા બાદ ગૌતમ ગંભીરે પોતે કરેલી સૌથી મોટી ભૂલ અંગે કર્યો ખુલાસો
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે પોતાની સૌથી મોટી ભૂલનો ખુલાસો કર્યો છે. ગંભીરે આ ભૂલ ત્યારે કરી હતી જ્યારે તે KKRનો કેપ્ટન હતો. ગંભીરની કેપ્ટન્સીમાં KKR બે વખત IPL ટાઈટલ જીતી ચૂક્યું છે. IPL 2024માં ગંભીર KKRનો મેન્ટર છે અને આ ટીમ હાલ સિઝનની સૌથી પહેલી પ્લેઓફ માટે ક્વોલિફાય થનાર ટીમ બની છે. ટીમના શાનદાર પ્રદર્શનથી ગંભીર ચોક્કથી ખુશ છે, છતાં તેને હજી પણ એક વાતનો પસ્તાવો છે. જે અંગે તેણે ખુલાસો કર્યો છે.
IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં પહેલા સ્થાન પર છે. KKRની આ સફળતા પાછળ ફરી એકવાર ગૌતમ ગંભીરનું નામ છે, જે ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયેલો છે. ગંભીરે KKRની પણ કેપ્ટનશીપ કરી છે અને તેની કપ્તાનીમાં આ ટીમે બે વખત IPLનો ખિતાબ જીત્યો છે. ટીમ IPL 2024ના પ્લેઓફમાં પહોંચ્યા બાદ ગંભીરે પોતાની એક મોટી ભૂલનો સ્વીકાર કર્યો હતો. ગંભીરે કહ્યું કે તેને આજે પણ આ એક વાતનો પસ્તાવો થાય છે.
સૂર્યકુમાર યાદવની ક્ષમતાને ઓળખવામાં ભૂલ કરી
સવાલ એ છે કે જ્યારે KKR અને તેના માટે બધું બરાબર ચાલી રહ્યું છે તો ગંભીરે ક્યારે, કેવી રીતે અને ક્યાં ભૂલ કરી? વાસ્તવમાં ગૌતમ ગંભીરે કરેલી ભૂલ આ સિઝનની વાત નથી. આ તે સમયની ભૂલ છે જ્યારે ગંભીર આ KKRનો કેપ્ટન હતો. ગૌતમ ગંભીરે કહ્યું કે તેણે સૂર્યકુમાર યાદવની ક્ષમતાને ઓળખવામાં ભૂલ કરી, જેનો તેને આજે પણ પસ્તાવો થાય છે.
સૂર્યકુમાર ચાર વર્ષ KKR તરફથી રમ્યો
સૂર્યકુમાર યાદવ IPL 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. આ તે વર્ષ હતું જ્યારે આ ટીમે પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો હતો. સૂર્યકુમાર 2017 સુધી આ ટીમનો ભાગ રહ્યો. આ ચાર વર્ષ દરમિયાન, તેણે 608 રન બનાવ્યા, પરંતુ તેના મોટાભાગના રન લોઅર મિડલ ઓર્ડરમાં રમતા હતા.
ગંભીરે પોતાની ભૂલ સ્વીકારી
સ્પોર્ટ્સકીડા સાથેની વાતચીતમાં ગૌતમ ગંભીરે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે કહ્યું કે સૂર્યકુમાર યાદવની પ્રતિભાને ન ઓળખવામાં તેણે ભૂલ કરી. KKRના કેપ્ટન રહીને તેણે કરેલી આ એક મોટી ભૂલ હતી, જેનો તેને પસ્તાવો થશે. ગંભીરે કહ્યું કે સૂર્યકુમાર યાદવ માત્ર એક સક્ષમ ખેલાડી જ નથી પરંતુ ‘ટીમ મેન’ પ્લેયર છે.
KKRથી અલગ થઈ મુંબઈમાં ચમકી કિસ્મત
સૂર્યકુમાર યાદવ હવે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. KKRથી અલગ થયા બાદ તે આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો હતો. મુંબઈની ટીમ સાથે તેની સફર આજ સુધી ચાલુ છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથેના બોન્ડે સૂર્યકુમાર યાદવને ઓળખ આપી અને ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન અપાવ્યું.
આ પણ વાંચો : શાહિદ આફ્રિદીએ તેના જમાઈને શાનદાર સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા, કહ્યું- પાકિસ્તાન માટે જરૂરી હતું