વર્લ્ડ કપમાં હાર્યા બાદ રોહિત શર્માએ સંબોધી પહેલી પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ, ઘણા લાંબા બ્રેક પર રહ્યા બાદ પહેલીવાર મીડિયા સાથે વાત કરી છે. વર્લ્ડ કપમાં હાર બાદ તે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વખત એક્શનમાં જોવા મળશે. પ્રથમ વખત રોહિત શર્માએ સંબોધેલી પ્રેસ કોન્ફરન્સમાં, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી, વર્લ્ડ કપમાં મળેલી હાર અને યુવા ખેલાડીઓ સામેના પડકારો વિશે વાત કરી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલ 26 ડિસેમ્બરને મંગળવારથી બે મેચની ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ મંગળવાર 26મી ડિસેમ્બરના રોજ સેન્ચુરિયનમાં રમાશે. ગયા મહિને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ, પ્રથમ વખત રોહિત શર્માએ સંબોધેલી પ્રેસ કોન્ફરન્સમાં, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી, વર્લ્ડ કપમાં મળેલી હાર અને યુવા ખેલાડીઓ સામેના પડકારો વિશે વાત કરી હતી.
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમને મોહમ્મદ શમીની ખોટ સાલશે. પરંતુ યુવાનો પાસે મોટી તક રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની સફેદ બોલની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો. રોહિત શર્માએ પણ વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હાર પર પોતાનો પક્ષ રાખ્યો છે.
વિશ્વકપમાં મળેલ હાર અંગે શુ કહ્યું રોહિત શર્માએ
વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર અંગે રોહિત શર્માએ કહ્યું કે, ટીમે વર્લ્ડ કપ માટે ખૂબ જ મહેનત કરી હતી. ટીમ દ્વારા સતત 10 મેચ દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પણ તે પ્રદર્શન નબળુ સાબિત થયુ. તમારે આગળ વધવું પડશે. જે થયુ છે તેના પર વધુ શું કહી શકો. વર્લ્ડ કપ પછી મને બહારથી ઘણો સપોર્ટ મળ્યો, જેના કારણે હું બહાર આવી શક્યો. હું આગામી બે વર્ષ સુધી બેટ્સમેન તરીકે રમવા માટે તૈયાર છું.
મોહમ્મદ શમી અંગે રોહિત શર્માએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ફાસ્ટ બોલરોએ વિદેશની ધરતી પર સારું પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ શમીની ખોટ ટીમને જરૂરથી પડશે પરંતુ યુવાઓ પાસે સારી તક રહેલી છે. આ એટલુ સરળ રહેવાનુ નથી.
કોચ રાહુલ દ્રવિડે, આજે સોમવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે, કેએલ રાહુલ વિકેટકીપર કમ બેટ્સમેન તરીકે રમશે અને તે પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો. આના પર રોહિતે કહ્યું કે, મને કેએલ પર વિશ્વાસ છે. તે નંબર ચાર-પાંચ પર સારો દેખાવ કરી રહ્યો છે અને ટેસ્ટમાં પણ વિકેટ કિપીગ કરી શકે છે.
ભારત સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ ક્યારેય પણ જીતી શક્યું નથી, આના પર રોહિતે કહ્યું, “અમે ઘણા વર્ષોથી અહીં ટેસ્ટ સિરીઝ રમવા આવીએ છીએ અને રમી રહ્યા છીએ, આ ઘણી મોટી સિરીઝ છે. મને એ ખબર નથી કે જો અમે જીતી જઈએ છીએ તો આ જીત વર્લ્ડ કપમાં મળેલી હારનુ દુંખ ઓછું કરી શકશે કે નહી. દરેક વ્યક્તિ ખૂબ મહેનત કરી રહ્યો છે, કંઈક મોટી જીતની જરૂર છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. 1992 પછી દક્ષિણ આફ્રિકામાં ભારતની આ નવમી ટેસ્ટ શ્રેણી હશે, પરંતુ અત્યાર સુધી તે આ દેશમાં એક પણ શ્રેણી જીતી શક્યું નથી.
મોહમ્મદ શમી પગની ઘૂંટીમાં ઈજાના કારણે મંગળવારથી શરૂ થઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પ્લેઈંગ ઈલેવનમાં શમીના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણ અથવા મુકેશ કુમારની પસંદગી થવાની ધારણા છે. કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર, જેઓ 19 નવેમ્બરે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે હારેલી વિશ્વકપ ફાઈનલ મેચની ટીમનો ભાગ હતા, તેમણે આ પછી કેટલીક મર્યાદિત ઓવરોની મેચ રમી હતી પરંતુ અન્ય ખેલાડીઓ પાંચ અઠવાડિયામાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચો રમશે.