પાકિસ્તાની ખેલાડી નીકળ્યો ચોર, પોતાના જ સાથી ખેલાડીના પૈસા ચોરી ઈટાલીમાં ગાયબ થઈ ગયો
ઈટાલીમાં ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલ પાકિસ્તાની બોક્સર સાથી ખેલાડીના પૈસા ચોરી ગાયબ થઈ ગયો હતો, જેની જાણ થયા બાદ ફરી એકવાર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તર પર બદનામી થઈ છે. આ ઘટનાની જાણ થતાં હાલ પોલીસ ઈટાલીમાં તેની તપાસ કરી રહી છે.
પાકિસ્તાનની બોક્સિંગ ટીમ હાલમાં ઈટાલીમાં છે અને આ ટીમના એક સભ્યએ કંઈક એવું કર્યું કે સાંભળનારાઓ ચોંકી ગયા. સ્થિતિ એવી બની કે ફેડરેશને આગળ આવીને મામલો જાહેર કરવો પડ્યો. પાકિસ્તાન ટીમનો ઝોહેબ રાશિદ ઈટાલીમાં હતો. તે ટીમ સાથે ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો. પરંતુ તે અચાનક ગુમ થઈ ગયો હતો. પાકિસ્તાન એમેચ્યોર બોક્સિંગ ફેડરેશને એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
પાકિસ્તાની બોક્સર થયો ગાયબ
ફેડરેશનના એક વરિષ્ઠ અધિકારીએ ઈટાલીમાં પાકિસ્તાની દૂતાવાસને પણ આની જાણકારી આપી છે. આ ઉપરાંત આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ફેડરેશનના સચિવ નાસિર અહેમદે કહ્યું કે ઝોહેબે જે રીતે વર્તન કર્યું છે તે ફેડરેશન માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. આ બોક્સર પાંચ સભ્યોની ટીમનો ભાગ હતો જે અહીં ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યો હતો.
મહિલા બોક્સર લૌરા ઈકરામના પૈસા ચોર્યા
નાસિરે જણાવ્યું કે જોહેબ મહિલા બોક્સર લૌરા ઈકરામ સાથે ટ્રેનિંગ માટે ગયો હતો અને ત્યાંથી તેણે તેના રૂમની ચાવી લીધી અને તેના રૂમમાંથી વિદેશી ચલણ લઈને ભાગી ગયો. તેણે કહ્યું કે પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે, પરંતુ તે કોઈના સંપર્કમાં નથી. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પાકિસ્તાની ખેલાડી ટીમની સાથે ગયો હોય અને ટીમ પ્રવાસની વચ્ચે છોડીને ભાગી ગયો હોય. ઝોહેબે ગયા વર્ષે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તેને પાકિસ્તાનનો પ્રતિભાશાળી ખેલાડી માનવામાં આવે છે.
પરિવાર અને ફેડરેશન ચિંતિત
ઝોહેબે જે કર્યું તેનાથી ટીમ ઘણી નારાજ છે. તેમને ઝોહેબ વિશે પણ ચિંતા છે કે તેની સાથે કંઈક થયું હશે. જ્યાં સુધી ઝોહેબ ન મળે ત્યાં સુધી તેનો પરિવાર અને ફેડરેશન ચિંતિત રહેશે. પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે અને એમ્બેસીને પણ જાણ કરવામાં આવી છે, તે પણ તેના સ્તરે તપાસમાં વ્યસ્ત રહેશે.
આ પણ વાંચો : રોહિત શર્માએ રાહુલ દ્રવિડના બોલ પર ફટકારી સિક્સર, ધર્મશાળામાં જોવા મળ્યો અદ્ભુત નજારો