બાબા રામદેવ
ભારતના પ્રખ્યાત યોગ ગુરુ રામ કિશન યાદવને આખી દુનિયા સ્વામી રામદેવ અથવા બાબા રામદેવના નામથી ઓળખે છે. તેઓ ભારતમાં યોગ અને આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે પ્રખ્યાત છે. રામદેવે તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને 2006માં પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી હતી.
બાબા રામદેવનો જન્મ 25 ડિસેમ્બર 1965ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈયદપુર ગામમાં થયો હતો. તેઓ રામ નિવાસ યાદવ અને ગુલાબો દેવીના મોટા પુત્ર છે. તેઓ પરંપરાગત આર્ય સમાજના છે અને તેમનો એક નાનો ભાઈ રામ ભરત પણ છે. નાનપણથી જ તેમને ભારતીય વેદો, યોગ અને સંસ્કૃતમાં રસ હતો.
બાબા રામદેવે અંગ્રેજી ભાષાને નકારી કાઢી અને પરંપરાગત શૈક્ષણિક સંસ્થાઓમાં વૈદિક સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું. બાબા રામદેવે હરિયાણાના શહઝાદપુર સરકારી શાળામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી પ્રાચીન વેદોના અભ્યાસ માટે તે હરિદ્વાર સ્થિત ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલય ઉત્તરાખંડ ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને સાધુની જેમ રહેવાનું શરૂ કર્યું અને હરિદ્વારમાં યોગ કેન્દ્ર ‘યોગ ગ્રામ’ની સ્થાપના કરી.
યોગમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા રામદેવ દરરોજ તેનો અભ્યાસ કરે છે અને તેમના યોગ કેન્દ્રમાંથી દરેકને શિક્ષા આપે છે, જે સમગ્ર ભારતમાં ટીવી ચેનલો પર પણ પ્રસારિત થાય છે. એપ્રિલ 2017માં, ઈન્ડિયા ટુડે મેગેઝિનમાં પ્રકાશિત 2017ની ભારતની 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં બાબા રામદેવ પાંચમા ક્રમે હતા.