આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દુનિયાભરની મહિલાઓને સમર્પિત છે, જે કોઈ પણ અડચણ વગર સતત કામ કરી રહી છે. મહિલાઓના યોગદાનની વાત કરવામાં આવે એટલી ઓછી છે, પરંતુ તેમ છતાં તેના યોગદાન અને સન્માનમાં એક ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે, તે છે 8 માર્ચનો દિવસ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર એક મજૂર આંદોલનથી આવ્યો હતો. વર્ષ 1908ના રોજ જ્યારે 15 હજાર મહિલાઓએ ન્યુયોર્ક શહેરમાં રેલી કાઢી હતી. તેની માંગ હતી નોકરીના કલાકો ઓછા કરવા, કામ પ્રમાણે વેતન આપવું સાથે મતદાનનો અધિકાર પણ. આ ઘટનાના એક વર્ષ બાદ સોશલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને પહેલો રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો હતો.