સત્યપાલ મલિક
સત્યપાલ મલિકનો જન્મ 24 જુલાઈ 1946ના રોજ ઉત્તર પ્રદેશના બાગપતના હિસાવડા ગામમાં થયો હતો. મલિકે ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના 10મા અને જમ્મુ કાશ્મીરના છેલ્લા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જ 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. આ પછી તેઓ ગોવાના 18મા રાજ્યપાલ બન્યા. ત્યાર બાદ તેઓ ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના 21મા ગવર્નર તરીકે પણ રહ્યા.
મલિકે 1974માં ચૌધરી ચરણ સિંહના ભારતીય ક્રાંતિ દળની ટિકિટ પર બાગપત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને માત્ર 28 વર્ષની ઉંમરે વિધાનસભામાં પહોંચ્યા હતા. 1980માં તેઓ લોકદળ પાર્ટીમાંથી રાજ્યસભામાં પહોંચ્યા. પરંતુ ચાર વર્ષ બાદ 1984માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. 1989માં જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણીઓ થઈ ત્યારે સત્યપાલ મલિક યુપીની અલીગઢ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને પહેલીવાર લોકસભામાં પહોંચ્યા. 1996માં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને અલીગઢથી ચૂંટણી લડ્યા.
સત્યપાલ મલિક 2004માં ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીની ટિકિટ પર બાગપતથી ચૂંટણી લડ્યા હતા. પણ હારી ગયા હતા. ત્યારબાદ 2005-2006માં તેમને ઉત્તર પ્રદેશ બીજેપીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2009માં તેઓ ભાજપના કિસાન મોરચાના અખિલ ભારતીય પ્રભારી પણ બન્યા હતા. જે બાદ 2012માં તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને 30 સપ્ટેમ્બર 2017ના રોજ તેમને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. લગભગ 11 મહિના બિહારના ગવર્નર રહ્યા બાદ ઓગસ્ટ 2018માં તેમને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.