અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો, કાછડિયાની બગાવત પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
ભાજપે આ વખતે લોકસભાની અમરેલી બેઠક પરથી નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને આપી હતી. જેને લઈને વિવાદ વકર્યો છે. થોડા દિવસ પહેલા અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ભરત સૂતરિયા પર આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે ભરત સૂતરિયાએ નારણ કાછડિયાને વળતો જવાબ આપ્યો છે.
ભાજપમાં આંતરિક અંસતોષ સતત વધી રહ્યો છે. ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ત્યારે અમરેલી ભાજપમાં નારણ કાછડિયા અને ભરત સૂતરિયા વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. કાછડિયાની બગાવત પર ભરત સૂતરિયાએ આકરા પ્રહાર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે આ વખતે લોકસભાની અમરેલી બેઠક પરથી નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને આપી હતી. જેને લઈને વિવાદ વકર્યો છે. થોડા દિવસ પહેલા અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ભરત સૂતરિયા પર આક્ષેપ કર્યા હતા. કાછડિયાએ એક કાર્યક્રમ બાદ પત્રકારો સામે પાર્ટી વિરૂદ્ધ પોતાનો બળાપો કાઢ્યો હતો. તેઓએ કહ્યુ કે પાર્ટી આયાતી લોકોની લ્હાયમાં મૂળ કાર્યકર્તાઓને નારાજ કરી રહી છે.
ત્યારે હવે અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સૂતરિયાએ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો છે અને સાંસદ નારણ કાછડિયાને નિશાને લીધા છે. નારણ કાછડિયાની ટિકિટ કપાવા પર ભરત સૂતરિયાએ કટાક્ષ કર્યો છે. તેમણે પત્રમાં નારણ કાછડિયાને સત્ય હકિકત લોકો સુધી પહોંચાડવાની સલાહ આપી અને કહ્યું કે, તમે પાર્લામેન્ટ્રી બોર્ડનું પણ અપમાન કર્યું છે.