તમે હાંસિયામાં ધકેલાઈ ગયા છો ? સીએમ ઈન વેઈટિંગ કહેવાશો ? જાણો આવા સવાલોને લઈને સાચા બોલા નીતિન પટેલે શુ કહ્યું ? જુઓ વીડિયો

તમે હાંસિયામાં ધકેલાઈ ગયા છો ? સીએમ ઈન વેઈટિંગ કહેવાશો ? જાણો આવા સવાલોને લઈને સાચા બોલા નીતિન પટેલે શુ કહ્યું ? જુઓ વીડિયો

| Updated on: Apr 23, 2024 | 7:24 PM

ટીવી9 ગુજરાતી દ્વારા ફાઈવ એડિટર્સ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં નીતિન પટેલને ભાજપના કાર્યકર્તા સહિત સૌ કોઈ ગુજરાતીઓને પુછવાનું મન થાય તેવા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જેમાં નીતિન પટેલને, તમે હાંસિયામાં ધકેલાઈ ગયા છો, અડવાણીની માફક સીએમ ઈન વેઈટિંગ ગણાશો, રુપાલા મુદ્દે ક્ષત્રિયોની નારાજગી દૂર કરવામાં પક્ષે વિલંબ કર્યો, ક્ષત્રિયોનું આંદોલન ગુજરાત બહાર કેટલુ અસર કરશે, ઉતર ગુજરાતની રાજનીતિ, કોંગ્રેસમાંથી આવેલાઓને મૂળ કાર્યકર્તાઓના ભોગે અપાતા સન્માન વગેરે જેવા અનેક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદનને પગલે ક્ષત્રિયોમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ મુદ્દે જ્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પક્ષે સમયસર કાર્યવાહી કરી છે. ક્ષત્રિયોની નારાજગી દૂર કરવા પક્ષે અને ભાજપના ક્ષત્રિય આગેવાનોએ પુરતા પ્રયાસ કર્યા છે.

તમે હાસિંયામાં ધકેલાઈ ગયા છો ?

તમે હાસિંયામાં ધકેલાઈ ગયા છો ? એવા પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, હાલમાં આઈપીએલની મેચ ચાલી રહી છે. મેચની કોમેન્ટરી આપનારા પણ તેમના સમયમાં ક્રિકેટના મેદાનમાં હતા. દરેક વ્યક્તિના જીવનમાં એવો તબક્કો આવે જ છે કે તેમણે માર્ગદર્શક, સલાહકાર, મદદકર્તાની ભૂમિકા ભજવવી પડે છે. પરંતુ મે હજુ કાર્યક્ષેત્ર છોડ્યું નથી.

દરેક વ્યક્તિની જરૂરીયાત મુજબ પક્ષ કામ સોંપે છે

પક્ષ તમને નિવૃત થઈ જવાનુ ઈન્ડિકેશન આપી રહ્યો છે ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ભાજપ દરેક વ્યક્તિની જરૂરીયાત મુજબ કામગીરી સોંપે છે. પક્ષને જ્યારે પણ જે સ્વરૂપે જે કામ માટે જરૂર હોય તેવી વ્યક્તિને કામ સોંપવામાં આવે છે.

કોંગ્રેસના નેતા-કાર્યકરોને આવકાર્યા બાદ મૂળ ભાજપના કાર્યકરની મનોદશા

કોંગ્રેસના નેતાઓને ભાજપમાં આવકાર્યા બાદ કાર્યકર્તાઓની મનોદશા અંગે પુછાયેલા પ્રશ્ને નીતિન પટેલે કહ્યું કે, અત્યાર સુધી તેઓ તેમના પક્ષમાં તેમની ભૂમિકા ભજવી રહ્યાં હતા. અમારા પક્ષમાં આવ્યા બાદ કરેલા કામના અમે વખાણ કરીશું. પરંતુ ભાજપમાં આવ્યા બાદ તેઓ ભારત માતાની જય કહેતા થયા. કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પારસીની માફક દુધમાં સાકળની જેમ ભળી જશે એવો મને વિશ્વાસ છે. કોંગ્રેસ હવે ગુજરાતમાં મૂળ વગરની નિર્મૂળ થઈ રહી છે. જ્યા સુધી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા રહેશે ત્યા સુધી ભાજપને કોઈ સમસ્યા કે તકલીફ પડવાની નથી.

સમગ્ર ગુજરાતના નેતા

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, તેઓ માત્ર પટેલ સમાજના જ નેતા નથી, સમગ્ર ગુજરાતના નેતા છે. ભાજપના તમામ મુખ્ય પ્રધાનોની સરકારમાં તેઓ પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણીની સરકારમાં કોઈને કોઈ વિભાગના પ્રધાન રહ્યાં હતા. અને સમગ્ર ગુજરાતના નેતા તરીકે કામગીરી કરી હતી.

રાજસ્થાનમાં ક્ષત્રિય આંદોલનની અસર નહીં

ક્ષત્રિય આંદોલનની અસર પડોશી રાજ્ય રાજસ્થાનમાં પડશે ખરી એવા પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલન વખતે મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં તેની અસર વર્તાય તેવા પ્રયાસો વિપક્ષ અને આંદોલનકર્તા દ્વારા કરાયા હતા. પરંતુ તેની કોઈ અસર વર્તાઈ નહોતી. તેની માફક ક્ષત્રિય આંદોલનની અસર રાજસ્થાનમાં જોવા નહી મળે.

 

Published on: Apr 23, 2024 07:15 PM
g clip-path="url(#clip0_868_265)">