ભાવનગરના ભાલ પંથકમાં 12 વર્ષથી કેનાલ બનીને તૈયાર પરંતુ આજ સુધી નથી મળ્યુ પાણી- જુઓ વીડિયો
ભાવનગરના ખેડૂતો પાણી માટે રાહ જોઇ રહ્યા છે. કેનાલ તો છેલ્લા 12 વર્ષથી બનીને તૈયાર છે.પરંતુ પાણી આવ્યું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં પાણી નથી આવ્યું. પરંતુ અધિકારીઓ આ કેનાલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચારની ખેતી જરૂર કરી રહ્યા છે.
સરકારની વિવિધ યોજના હેઠળ ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તે માટે કેનાલોનું નિર્માણ કરાવવામાં આવતું હોય છે. પરંતુ ભાવનગરના ભાલ પંથકમાં દોઢ દાયકા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલો પાથરી દેવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ નર્મદા નિગમની પેટા કેનાલ એટલે કે લીમડી પેટા કેનાલના વિભાગની જવાબદારી આવતી હોય છે કે આ કેનાલની સાફ-સફાઈ તેમજ જર્જરીત બની ચૂકેલી કેનાલોનું રીનોવેશન કરાવે.
કેનાલમાં ભ્રષ્ટાચાર, શું કરે છે સરકાર ?
આ કેનાલમાં પાણી તો નથી આવતું. પરંતુ આ કેનાલથી ભ્રષ્ટાચારની ખેતી જરૂર થાય છે. આ કેનાલમાં પાણી ના આવતું હોવા છતાં દર વર્ષે સફાઈ ના નામે લાખો રૂપિયા ઉધારવામાં આવે છે. 12 વર્ષથી બનવવામાં આવેલી કેનાલ ખેડૂતોને છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી. પરંતુ નિગમના અધિકારીઓ આ કેનાલથી જરૂર માલામાલ થઇ રહ્યા છે.
ખેડૂતોની માંગ છે કે તેઓને પાણી આપવામાં આવે. જેથી ખેતીમાં તેઓને લાભ થાય. જો કે હાલ આ કેનાલ ખેડૂતોને ફાયદો નહીં પરંતુ નુકસાન કરાવી રહી છે.
ખેડૂતોનો પોકાર, પાણી આપો સરકાર
ભાલ વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલ આવવાથી ખેડૂતોને બહુ મોટી આશા બંધાણી હતી. નર્મદાના નીર ભાલમાં પોતાના ખેતર સુધી પહોંચશે અને નાના ખેડૂતોથી લઈને મોટા ખેડૂતોને શિયાળું પાક અને જરૂરના સમયે પાણી મળશે. જો કે પાણી તો નથી આવ્યું અને હવે આ કેનાલ તૂટી રહી છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. હવે નર્મદાના નિગમના અધિકારીઓ કોઇ નક્કર કાર્યવાહી કરશે ત્યારે જ ખેડૂતોને ખરા અર્થમાં લાભ મળશે.