સુરેન્દ્રનગરના ઉમેદવારના સમર્થનમાં ચુવાળિયા કોળી સમાજની મળી બેઠક, તળપદા કોળી સમાજે વિરોધ કરતા હવે ભાવનગરમાં ઉતારશે ઉમેદવાર
સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજે ચુવાળિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાનો વિરોધ કરતા હવે ચુવાળિયા કોળી સમાજે પણ મોરચો માંડ્યો છે અને ભાવનગરમાં તળપદા કોળી સમાજના ઉમેદવાર નિમુબેનની વોટબેંક તોડવા માટે ચુવાળિયા સમાજનો અપક્ષ ઉમેદવારો ઉભો રાખવાનુ એલાન કર્યુ છે.
તળપદા અને ચુવાળિયા કોળી સમાજનો વિવાદ હવે સુરેન્દ્રનગરથી ભાવનગર પહોંચ્યો છે. ભાવનગરમાં ચુવાળિયા કોળી સમાજનો ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી કરી લીધી છે. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજના ઉમેદવારનો વિરોધ થતા ચુવાળિયા કોળી સમાજે ભાવનગરમાં તળપદા કોળી સમાજના ઉમેદવાર સામે મોરચો માંડ્યો છે. ભાવનગરમાં ભાજપે તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ભાજપે ચુવાળિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા તળપદા કોળી સમાજમાં નારાજગી ફેલાઈ છે. આ નારાજગીને પગલે હવે ચુવાળિયા કોળી સમાજે પણ પણ પોતાના ઉમેદવારના સમર્થનમાં તળપદા કોળી સમાજ સામે બાંયો ચડાવી છે અને ભાવનગરના ઉમેદવાર સામે પોતાનો ચુવાળિયા કોળી સમાજનો ઉમેદવાર ઉભો રાખાની માગ કરી છે.
ભાવનગરમાં પોતાના અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાનુ કર્યુ એલાન
ચુવાળિયા કોળી સમાજની મળેલી બેઠકમાં ભાવનગરમાં તળપદા કોળી ઉમેદવાર સામે ચુવાળિયા ઉમેદવાર ઉભા રાખવાનુ એલાન કરવામાં આવ્યુ છે. ભાજપ સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાનો બેઠકમાં નિર્ણય કરાયો છે. ભાવનગરમાં અઢી લાખ ચુવાળિયા કોળી સમાજના મતદારો છે. ભાજપે ભાવનગરથી નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે, જે તળપદા કોળી સમાજમાંથી આવે છે. હવે ચુવાળિયા કોળી સમાજે પોતાના સમાજનો અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાનુ એલાન કર્યુ છે. જો આમ થયુ તો કોળી સમાજના જ બે ફાંટા પડી જશે અને જેની સીધી અસર નિમુબેનની વોટબેંક પર પડશે. ચુવાળિયા કોળી સમાજના વોટ વહેંચાઈ જશે. આ તરફ તળપદા કોળી સમાજના વોટ પણ વહેંચાઈ જશે.