ડાંગની શાળામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર હેવાન શિક્ષકની પોલીસે કરી ધરપકડ, જુઓ Video
ડાંગના બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક વિરૂધ્ધ સાપુતારા પોલીસ મથકે સગીર વિધાર્થીની પર દુષ્કર્મ આચરવાનો તેમજ તેની આંગળી કરડી નાખવાનો ગુનો નોંધાયા બાદ ડાંગ એલ.સી.બી અને સાપુતારા પોલીસે ફરાર હેવાન શિક્ષકની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી.
ડાંગ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે ગુરૂની ગરીમાને લજવી હેવાન બની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ જે બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારતા ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સહિત પોલીસ વિભાગ દોડતુ થયુ હતુ.
પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક નામે મધુભાઈ રાઠોડ અવારનવાર દારૂનો નશો કરીને શાળાએ આવતો હોવાના આક્ષેપો કર્યા છે. તેમજ ગામની સ્ત્રીઓ સાથે પણ ગેરવર્તણુક અને અભદ્ર વર્તન કરતા હોવાના આક્ષેપ થયા છે.
આખરે કંટાળીને સ્થાનિકોએ મુખ્ય શિક્ષકની બદલીની માગ સાથે ગુરૂવારે હોબાળો મચાવ્યો હતો. આહવા તાલુકાની પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક નામે મધુભાઈ રાઠોડ એ તા. ૨૪-૨- ૨૦૨૪ ના રોજ બપોરે શાળા ખાતે છાત્રાલયમાં રહેતી એક 14 વર્ષની વિધાર્થીનીને છાત્રાલયના રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી બળજબરી કરી અને દુષ્કર્મ આચર્યુ હતું અને તેને મારી નાખવાની ધમકી આપી જમણાં હાથની મોટી આંગળીમાં કરડી લીધું હતું.
આ શિક્ષક વિરૂધ્ધ હોબાળો થતા ભોગ બનનાર વિધાર્થીનીની માતા એ શિક્ષક વિરૂધ્ધ બળત્કારનો ગુનો નોંધાવતા ડાંગ જિલ્લા એલ.સી.બી પી. એસ.આઈ. કે. જે. નિરંજન અને સાપુતારાના પી.એસ. આઈ. એન. ઝેડ. ભોયા ની ટીમે પત્ની સાથે ફરાર થઇ ગયેલ આરોપી શિક્ષક મધુ રાઠોડની શુક્રવારે મોડી રાત્રે શોધી કાઢી ધરપકડ કરી હતી.