રુપાલા વિવાદનો ઉકેલ શોધતા ભાજપના ક્ષત્રિય આગેવાનોએ, ગધેથળ ગાયત્રી આશ્રમ જઈને લાલબાપુના લીધા આર્શીવાદ
ભાજપના ક્ષત્રિય આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભા જાડેજાની આજની લાલબાપુ સાથેની મુલાકાતને રાજકીય વિશ્લેષકો, પરશોત્તમ રુપાલાના વિવાદની સાથે સાંકળી રહ્યાં છે. પરશોત્તમ રુપાલા પ્રકરણમાં સુખદ ઉકેલ શોધી રહેલ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે યેનકેન પ્રકારે પણ આ વિવાદનો અંત આવે.
પરશોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદનનો સુખદ અને યોગ્ય ઉકેલ શોધવા માટે ભાજપે હવે તેમના ક્ષત્રિય આગેવાનોને કામગીરી સોપી છે. ગઈકાલે ગાંધીનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંધવીના નિવાસસ્થાને, ભાજપના ક્ષત્રિય આગેવાનોની આશરે ચાર કલાક બેઠક યોજાઈ હતી. આ બેઠક અંગે ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટીએ ક્ષત્રિય આગેવાનોને અલગ અલગ જવાબદારી સોપી છે.
આજે ભાજપના ક્ષત્રિય આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભા જાડેજાએ, ગધેથળ ગાયત્રી આશ્રમે જઈને લાલબાપુના આશીર્વાદ લીધા હતા. ગધેથળ ગાયત્રી આશ્રમ એ ક્ષત્રિય સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અગાઉ પરશોત્તમ રુપાલાએ પણ ગોંડલમાં યોજાયેલ ક્ષત્રિય સમેલન બાદ, ગધેથળ ગાયત્રી આશ્રમ જઈને લાલબાપુના આશીર્વાદ લીધા હતા.
ભાજપના ક્ષત્રિય આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભા જાડેજાની આજની લાલબાપુ સાથેની મુલાકાતને રાજકીય વિશ્લેષકો, પરશોત્તમ રુપાલાના વિવાદની સાથે સાંકળી રહ્યાં છે. પરશોત્તમ રુપાલા પ્રકરણમાં સુખદ ઉકેલ શોધી રહેલ ભારતીય જનતા પાર્ટી, પરશોત્તમ રુપાલાના વિવાદમાં ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્ર એવા ગધેથળ ગાયત્રી આશ્રમ ખાતેથી વિવાદનો અંત લાવે તેવો કોઈ સંદેશ ક્ષત્રિય સમાજને પહોંચે, તેવા પ્રયાસો હાથ ધરાયા હોઈ શકે છે.
લોકસભાની ચૂંટણી ટાણે, પરશોત્તમ રુપાલાના ક્ષત્રિય સમાજ માટે ઉચ્ચારાયેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ઘીના ઠામમાં ઘી નાખવા માટે ભાજપના નેતાઓ, પ્રથમ ક્ષત્રિય સંગઠનો,બાદમાં ભાજપ અગ્રણીઓ સાથેની બેઠક બાદ હવે ક્ષત્રિય અગ્રણીઓ ક્ષત્રિય સમાજના સંતના શરણે પહોચ્યાં છે.