મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનના આંકડાનું કૌભાંડ આવ્યુ સામે, સરકાર સમક્ષ રજૂ કરાયો ખોટા આંકડાનો રિપોર્ટ- વીડિયો
મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનના આંકડા માત્ર કાગળ પર હોવાનુ સામે આવ્યુ છે. ઓપરેશનના આંકડામાં કૌભાંડ થયુ હોવાનું ધ્યાને આવતા 9 ડિસેમ્બર સુધીમાં તમામ આંકડા સાથે આરોગ્ય અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. 2 અર્બન હેલ્થ સેન્ટર અને 6 પેટા આરોગ્ય કેન્દ્રના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા.
મહેસાણામાં કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ ઓપરેશનનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણામાં છેલ્લા સાત મહિનાથી કુટુંબ નિયોજન ઓપરેશન માત્ર કાગળ પર થયા હોવાનો ચોંકાવનારો ખૂલાસો થયો છે. લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સૌ પહેલા કૌભાંડ સામે આવ્યું. જ્યાં મહિલા આરોગ્ય કર્મચારીએ 300થી વધુ કુટુંબ નિયોજનના ઑપરેશન થયા હોવાના ખોટા આંકડા સરકાર સમક્ષ રજૂ કર્યા. જેની તપાસ શરૂ કરતા આ આંકડો હવે 661 સુધી પહોંચ્યો હતો. જેને લઈને હવે સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 9 ડિસેમ્બર સુધી તમામ આંકડાઓ સાથે આરોગ્ય અધિકારીઓને હાજર રહેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપી છે.
6 પેટા આરોગ્ય કેન્દ્રના આંકડામાં ગોલમાલ
મહત્વનું છે કે, મહેસાણામાં 2 અર્બન હેલ્થ સેન્ટર અને 6 પેટા આરોગ્ય કેન્દ્રના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. જેમાં કુલ 16 મહિલા આરોગ્ય કર્મચારીઓના તપાસમાં નામ ખુલ્યા હતા. આ 16 મહિલા કર્મચારીઓએ કુલ 661 ઓપરેશનના આંકડા માત્ર કાગળ પર જ બતાવ્યા હતા. જેમાં કોનું ઓપરેશન કરાયું તેની કોઈ વિગતો જ ન હતી. લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરના 16 મહિલા હેલ્થ વર્કરને કારણ દર્શક નોટિસ અપાઈ છે અને જિલ્લામાં કોના અને કેટલા ઓપરેશન થયા તેની વિગતો મંગાવાઈ છે. જેને લઈને 9 ડિસેમ્બરે જિલ્લાના આરોગ્ય અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો