સુરેન્દ્રનગર: રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ પર વઢવાણના યુવરાજે આપી આ પ્રતિક્રિયા- જુઓ VIDEO
સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ મુદ્દે વઢવાણના યુવરાજે પ્રતિક્રિયા આપતા ગોંડલમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠકને રાજકીય કાર્યક્રમ ગણાવી અને જણાવ્યુ કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સુરેન્દ્રનગરના વઢવાણના રાજવી પરિવારના યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જે પણ નિર્ણય લે તે અમને માન્ય રહેશે. ગોંડલમાં યોજાયેલી જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી ક્ષત્રિય સમાજની સભાને રાજકીય કાર્યક્રમ ગણાવતા કહ્યુ કે તેમા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર ન હતા. હાલ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે ત્યારે સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યુ કે રૂપાલાની ટિકિટ રદ નહી થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ તરફ ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરસિંહ ગોહિલે પણ જણાવ્યુ હતુ કે પરશોત્તમ રૂપાલાના નિવેદનથી હું ખુદ પણ આશ્ચર્યમાં છુ. રાજપૂતોના કારણે જ રોટી અને બેટી સુરક્ષિત હતા. કારણ કે યુદ્ધભૂમિમાં પોતાની માતૃભૂમિની રક્ષાકાજે અનેક રાજપૂતો પોતાના પ્રાણોની આહુતિ આપી છે. તેમણે કહ્યું રૂપાલાએ અમારી ભાવના જ નહીં ઈતિહાસ સાથે છેડછાડ કરી છે. આ સાથે તેમણે સવાલ કર્યો કે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં ભેદભાવની રાજનીતિ કેમ થઈ રહી છે. વધુમાં યુવરાજે જણાવ્યુ કે રૂપાલાને ટિકિટ મળે કે ન મળે મને કોઈ ફર્ક નથી પડતો. પરંતુ હું મારા સમાજ સાથે છુ અને જ્યારે વાત સમાજની આવે ત્યારે સમાજ તેમને માફ કરે છે કે નહીં તે સમાજના પ્રતિનિધિઓ નિર્ણય કરશે. આ સાથે તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે ભાજપમાં રહેલા સમાજના વડીલો અને યુવાનો કેમ મૌન છે.