રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, વલસાડ અને ડાંગમાં મોસમનો માર, કેરીના પાકને પારાવાર નુકસાન- Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વલસાડ અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વલસાડમાં ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. આ તરફ ડાંગલના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં વરસાદ આવ્યો. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ મહામહેનતે પકાવેલી કેરીઓ આંબા પરથી ખરી પડતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી આંશિક રાહતની અનુભૂતિ થઈ હતી.
આ તરફ ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ કેરીના ખેડૂતો માટે વેરી બનીને આવ્યો. આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કરા સાથે વરસાદ પડતા ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયુ છે. ક્યાંક પવનના કારણે કેરીઓ ખરી પડી તો ક્યાંક કરાના કારણે કેરીના ફળ પર ચાંદા પડી જતા પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભર ઉનાળે માવઠાને કારણે ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન વેઠવુ પડ્યુ છે.
આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયુ છે. હવામાન વિભાગે આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે.