Share Market Explained: શેરબજારમાં 17.16 કરોડ લોકોના શ્વાસ થયા અધ્ધર, શેર રાખવા કે વેચવા? એક્સપર્ટે જણાવ્યું આખું ગણિત
Share Market Crashed: મે મહિનાના માત્ર 9 દિવસમાં જ શેરબજાર એટલું તૂટી ગયું છે કે હવે તેમાં રોકાણ કરનારાઓમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, દરેકને ચિંતા છે કે હવે તેમના પોર્ટફોલિયોનું શું કરવું? શેર રાખો કે વેચો? ચાલો આ પાછળનું સંપૂર્ણ ગણિત સમજીએ.
ગુરુવારે જ્યારે શેરબજાર તૂટવાનું શરૂ થયું, ત્યારે શેરબજાર બંધ થતાં સુધીમાં સેન્સેક્સ 1062 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. ટ્રેડિંગના માત્ર 6 કલાકમાં જ શેરબજારમાં નોંધાયેલા 17.16 કરોડ રોકાણકારોના રૂપિયા 7.35 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું.
માર્કેટમાં આ ઘટાડો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને માત્ર મે મહિના પર નજર કરીએ તો બજાર લોકોના રૂપિયા 12.89 લાખ કરોડ રૂપિયા ગળી ગયું છે. આવી સ્થિતિમાં, રોકાણકારોએ શું કરવું જોઈએ, પોર્ટફોલિયોમાં શેર જાળવી રાખવા અથવા તેને વેચવા જોઈએ? ચાલો સંપૂર્ણ ગણિત સમજીએ…
ગુરુવારે, એશિયાના સૌથી જૂના શેરબજાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરનો ઇન્ડેક્સ સેન્સેક્સ ખરાબ રીતે તૂટી પડ્યો હતો. તે 1062.22 પોઈન્ટ ઘટીને 72,404.17 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. માર્કેટમાં એક જ દિવસમાં 1.45 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જની 50 કંપનીઓનો ઇન્ડેક્સ નિફ્ટી 50 પણ 345 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. સાંજે ટ્રેડિંગના અંતે તે 21,957.50 પોઈન્ટ પર સ્થિર થયો હતો અને એક દિવસમાં 1.55 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ ઘટાડો શા માટે જોવા મળ્યો?
હવે સવાલ એ છે કે શેરબજારમાં આટલો મોટો ઘટાડો શા માટે જોવા મળ્યો? જો એક લીટીમાં આનો સાદો જવાબ હોય તો તે એ છે કે અનિશ્ચિતતાનું વાતાવરણ છે જેના કારણે વેપારીઓ ખુબ સમજી વિચારીને દાવ લગાવી રહ્યા છે. હવે શા માટે અનિશ્ચિતતા છે?
સ્થાનિક સ્તરે અનિશ્ચિતતાના પ્રશ્ન પર નજર કરીએ તો દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. બજારને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તામાં આવી શકે છે, પરંતુ બજાર વાસ્તવમાં સ્થિર સરકાર ઈચ્છે છે. બીજી તરફ, દેશની તમામ કંપનીઓ સતત તેમના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી રહી છે. જે બજારની અપેક્ષા મુજબ નથી. તેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે.
અનિશ્ચિતતાના પ્રશ્નનું વૈશ્વિક પાસું પણ છે. દુનિયામાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જેમ જેમ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનનું સંકટ ઘેરી બની રહ્યું છે. ફેડરલ રિઝર્વ અને તેના અધિકારીઓના સતત નિવેદનોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલ મચી ગઈ છે. એટલું જ નહીં, ડૉલરના મજબૂત થવાને કારણે, તેના પરની યીલ્ડમાં સુધારો થયો છે, જેના કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) નિર્ભયપણે ભારતીય બજારોમાંથી નાણાં ઉપાડી રહ્યા છે.
તો શું ડરવાની જરૂર છે?
શેરબજારમાં, મે દરમિયાન, સેન્સેક્સમાં કુલ 2000 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં શું આ વિકાસથી ડરવાની જરૂર છે? આ અંગે શેરબજારના નિષ્ણાત પુની કિન્રા કહે છે કે ભારતીય શેરબજારના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત છે. આવી સ્થિતિમાં, જો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય તો પણ નિફ્ટી 21,300 પોઈન્ટ સુધી ગબડી જશે. નિફ્ટીનો ટાર્ગેટ 21,500 થી 21,800 પોઈન્ટ છે. શેરબજારોમાં આ સ્થિતિ 4 જૂન સુધી એટલે કે ચૂંટણી પરિણામો આવે ત્યાં સુધી ચાલુ રહી શકે છે.
શું કરવું… શેર વેચવા કે રાખવા?
હવે સવાલ એ છે કે જેમણે શેરબજારમાં રોકાણ કર્યું છે તેઓએ આ સમયે શું કરવું જોઈએ? આ અંગે પુનીત કિન્રાનું કહેવું છે કે શેરબજારમાં આ સ્થિતિ ટૂંકા ગાળાની જણાય છે. 4 જૂનના ચૂંટણી પરિણામો પર પણ ઘણું નિર્ભર રહેશે. રોકાણકારોને હવે તેમના શેરોનું હેજિંગ કરવાથી ફાયદો થઈ શકે છે.
નવા રોકાણકારોએ શું કરવું જોઈએ?
પુનીત કિન્રા પ્રથમ વખતના રોકાણકારોને પણ ઉત્તમ સલાહ આપે છે જેમણે શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે જો કોઈ રોકાણકાર પ્રથમ વખત રોકાણ કરવા જઈ રહ્યો હોય તો તે લાર્જ કેપ શેરોમાં રોકાણ શરૂ કરી શકે છે. શેરબજારમાં રોકાણ કરવા માટે આ સૌથી અનુકૂળ સમય છે. તે જ સમયે, જો શેરબજાર થોડું વધુ ઘટશે તો રોકાણકારો મિડકેપ્સમાં પણ રોકાણ કરી શકે છે.
નોંધ: અહીં જણાવેલ બાબતો નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે લખવામાં આવી છે. આ TV9 ગ્રુપનો અભિપ્રાય નથી. શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નાણાકીય સલાહકારની સલાહ લીધા પછી તેમની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણયો લે. શેરબજારમાં રોકાણ બજારના જોખમને આધીન છે.