Firing Case : ભાઈજાનના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મળી મોટી સફળતા, વધુ બે લોકોની ધરપકડ, જુઓ વીડિયો
Galaxy Apartment Firing Case : સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હવે મુંબઈ પોલીસે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે. આ બંનેના નામ સોનુ સુભાષ ચંદર અને અનુજ થાપન છે, જેમની પંજાબમાંથી બંદૂક સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસની સતત તપાસ કરી રહી છે. બંને શૂટરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચુકી છે અને 29 એપ્રિલ સુધી પોલીસે બંનેની કસ્ટડી મેળવી લીધી છે. હવે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી ગન સપ્લાયના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંનેને 26 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતા
પ્રથમ આરોપીનું નામ સોનુ સુભાષ ચંદર છે, જેની ઉંમર 37 વર્ષ છે. તેની પાસે ખેતી છે અને કરિયાણાની દુકાન પણ છે. બીજાનું નામ અનુજ થાપન છે, જેની ઉંમર 32 વર્ષ છે. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરતો હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તેની સામે ખંડણી અને આર્મ્સ એક્ટના કેસ પણ નોંધાયેલા છે.
મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા બંને આરોપી 15 માર્ચે પનવેલ વિસ્તારમાં ગયા હતા અને બે બંદૂકો આપીને પંજાબ પરત ફર્યા હતા. બંનેને રાત્રે 25 એપ્રિલ ફ્લાઇટ મારફતે મુંબઈ લાવવામાં આવશે.
View this post on Instagram
(Credit Source : Instant Bollywood)
ફાયરિંગ ક્યારે થયું?
14 એપ્રિલે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. બે લોકો બાઇક પર આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. આ બધું થયું ત્યારે સલમાન ઘરે હતો. ફાયરિંગ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને બંને શૂટરોની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. શૂટર્સ બાદ હવે ગન સપ્લાયર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
18 ગોળીઓ હજુ સુધી મળી નથી
અગાઉ એવી માહિતી પણ સામે આવી હતી કે, 25 એપ્રિલે જ્યારે બંને શૂટર્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પોલીસે કોર્ટને કહ્યું હતું કે, આરોપીઓ પાસે 40 ગોળીઓ છે. 5 ગોળીઓ ચલાવવામાં આવી હતી, 17 રિકવર કરવામાં આવી હતી અને 18 ગોળીઓ હજુ સુધી મળી નથી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, આ બંને સલમાનના ઘર પર મોટા હુમલાની યોજના ઘડી રહ્યા હતા.