અમદાવાદમાં ચૂંટણી ટાણે અસામાજિક તત્વો બેફામ, કારણ વગર કાર ચાલકને રોકી કર્યો હુમલો અને નાક કપાઈ ગયું
અમદાવાદમાં ફરીથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના સોલા વિસ્તારમાં કાર ચાલક સાથે કોઈ પણ કારણ વગર ઝઘડો કરી કારમાં સવાર બે લોકોને માર માર માર્યો હતો. અસામાજિક તત્વોએ બે લોકોને માર માર્યો હતો જેમાં કાર ચાલકને નાકમાં ઇજા પહોંચી હતી. સોલા પોલીસે ફરિયાદને આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં જાણેકે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય અને પોલીસનો પણ કોઈ ખોફ ન રહ્યો હોય તેમ નિર્દોષ લોકોને માર મારવાની ઘટના બની છે. શનિવારની રાત્રિએ પ્રયાગ પટેલ અને તેનો મિત્ર જન્મદિવસની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યા હતા.
છરી સહિતના હથીયાર હતા સાથે
આ સમયે ચાંદલોડિયા બ્રિજ નજીક અસામાજિક તત્વોએ પ્રયાગ પટેલની કારને ઊભી રખાવી કોઈ પણ કારણ વગર ઝગડો કર્યો હતો અને આ ઝગડામાં હુમલાખોરો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે પોતાની પાસે રહેલા છરી સહિતના હથીયાર થી પ્રયાગ પટેલ અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી
આ હુમલામાં પ્રયાગ પટેલના નાક પર ઇજાઓ થતાં તેનું નાક કપાય ગયું હતું. જોકે તાત્કાલિક ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જે બાદ પોલીસે ઇજાગ્રસ્ત પ્રયાગ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ફરિયાદને આધારે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી
સોલા પોલીસે હુમલાખોર રાધેશ્યામ યાદવ ઉર્ફે રાધે, અમરેશ યાદવ અને સંગમ જયસ્વાલ ઉર્ફે હજારી કલ્લુની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચાંદલોડિયા વિસ્તાર માં રહે છે અને અસામાજીક તત્ત્વો છે. પ્રયાગ પટેલ પર છ જેટલા શખ્શોએ હુમલો કર્યો હતો. જેમાંથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજી ફરાર છે.
કુલ 6 આરોપીની સંડોવણી
મહત્વનું છે કે કોઈ પણ કારણ વગર કારને રોકીને હુમલો કરવો એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા કરે છે. સોલા પોલીસે હાલતો ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણને શોધવા કવાયત હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર આ હુમલો કોઈ કારણ વગર જ રોફ જમાવવા માટે કરવામાં આવ્યો છે કે પછી કોઈ અન્ય કારણથી હુમલો થયો છે.