2001માં ભૂકંપ સમયે વ્યાજે લીધા હતા 10 હજાર રૂપિયા, આજ સુધી દેવું ચૂકવતા ચૂકવતા આખરે વેપારીએ ભર્યું આ પગલું
વ્યાજખોરોને ડામવા માટે સરકાર અને પોલીસ ભલે કડક પગલાઓ ભરી રહી હોય પરંતુ આજે પણ અમુક કિસ્સાઓમાં વ્યાજખોરોના ત્રાસથી છુટવા માટે લોકો આત્મહત્યા કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવીજ વધુ એક ઘટના અમદવામાં સામે આવી.
એક વેપારીએ વર્ષો પહેલા મામૂલી રકમ વ્યાજે લીધી હતી. જે રકમ અને વ્યાજ તો ચૂકતે કરી આપ્યું હોવા છતાં પણ લાખો રૂપિયાની ઉઘરાણી કરતા વ્યજકોરોના ત્રાસથી આપઘાત કરવો પડ્યો છે. વેપારીએ સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો છે. જોકે પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. કોણ છે આ વ્યાજખોર અને કેટલી હદ સુધીના ત્રાસને કારણે વેપારીએ કરવી પડી આત્મહત્યા.
વ્યાજખોરોએ 7 થી 10 ટકાના વ્યાજે વેપારીને રુપિયા આપ્યા
ઓઢવ પોલીસની કસ્ટડીમા રહેલા આ બે વ્યાજખોરોના નામ છે જીતેન્દ્ર ભંવરસિંહ રાજપુત અને અજીતસિંહ ઝાલા. આ બન્ને વ્યાજખોરોએ 7 થી 10 ટકાના વ્યાજે વેપારીને રુપિયા આપ્યા હતા. જે મુડી કરતા વધુ વ્યાજ વસુલ કર્યુ હોવા છતાં વ્યાજનું પણ વ્યાજ ગણી રુપિયા માંગ્યા હતા.
સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી
જે વ્યાજના ખપ્પરમાં ફસાઈ ગયેલા વેપારીએ વ્યાજમાંથી છુટવા માટે આત્મહત્યા કરી છે. વેપારી ગજેન્દ્રસિંહ જાડેજાએ સ્યુસાઈડ નોટ લખી તેમની ઓફિસમાં ગળાની અને હાથની નસ કાપી આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ હેઠળ ગુનો નોંધી ત્રણ માંથી બે વ્યાજખોરોની ધરપકડ કરી છે.
80 હજાર રુપિયા ચુકવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આત્મહત્યા કરનાર વેપારીએ વર્ષ 2001માં 10 હજાર રુપિયા 10 ટકાના વ્યાજે ભવંરસિંહ રાજપુત પાસેથી લીધા હતા. તેનુ 23 વર્ષ સુધી વ્યાજ ભર્યુ છે. જે બાદ પોતાની જમીન વેચીને પણ 80 હજાર રુપિયા ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરોએ વધુ 5 લાખની માંગ કરી 2 લાખમાં સમાધાન કર્યુ હતું. તે 2 લાખ ચુકવવા માટે વેપારીએ બીજા વ્યાજખોર અજીતસિંહ ઝાલા પાસેથી 7 ટકાના વ્યાજે રુપિયા લીધા હતા. તેનુ પણ વ્યાજ ચુકવ્યા હોવા છતાં વેપારી પાસે મકાન લખાવી લેવાની ધમકી આપતા આખરે વેપારીએ આત્મહત્યા કરી છે.
છેલ્લા 23 વર્ષથી વ્યાજ પડાવી રહ્યા છે
વેપારીની આત્મહત્યા અંગે તપાસ કરતા હકિકત સામે આવી કે વેપારીની આર્થિક સંકળામણનુ મુખ્ય કારણ વ્યાજખોર ભવરસિંહ રાજપુત અને તેનો પુત્ર જીતેન્દ્ર રાજપુત છે. જે છેલ્લા 23 વર્ષથી વ્યાજ પડાવી રહ્યા છે અને જે વ્યાજના ખપ્પરથી છુટવા માટે અન્ય વ્યાજના વિષચક્રમા ફસાયા છે. જોકે ભવરસિંહની તપાસ કરતા તે સારવાર માટે હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અન્ય બે વ્યાજખોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ઘરી છે.