હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને કમોસમી વરસાદને લઈને કરી આ આગાહી, વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત- Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્ય અને દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતા હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે. આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડુ સર્જાઈ શકે છે.
રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ આવશે નેઋત્યનું ચોમાસુ
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યુ છે કે રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે. અંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસુ બેસી શકે છે. અંદામાનમાં ચોમાસુ બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નેઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચે છે.
ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે
ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠુ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે
પ્રિમોન્સુન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે આકલન કર્યુ છે કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે. મે મહિનાથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જૂનની શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે.
સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે. ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે, જેમા કેરી અને શાકભાજી સહિત બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. સતત ભેજવાળું વાતાવરણ રહેતા પાકને આડઅસર થઈ શકે છે. કમોસમી વરસાદની અસરને લઈ અંબાલાલ પટેલે ખેડૂતોને પાકને હળવું પિયત આપવાની સલાહ આપી છે.