રાજ્યમાં પોલિંગ કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયાનો આજથી પ્રારંભ, 1 મે સુધી પોસ્ટલ બેલેટથી કરી શકશે મતદાન-Video
દેશનું ચૂંટણીપંચ દરેક ચૂંટણીમાં ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં હંમેશા સુસજ્જ રહે છે અને આથી જ રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ફરજ બજાવતા પોલિંગ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આજથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
રાજ્યમાં આગામી 7 મે એ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જોકે એ પૂર્વે રાજ્યની 25 લોકસભા બેઠકો પર આજથી પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત થઈ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા છે તેમનું તમામ લોકસભા બેઠકો પર 29 એપ્રિલથી 1 મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારબાદ પોલીસ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે.
29 એપ્રિલથી 1 મે સુધી ચાલશે પોલિંગ કર્મચારીઓ માટે મતદાન
ચૂંટણીમાં ફરજ પર રહેલા પોલિંગ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પોતાના મતાધિકારથી અળગા ના રહે તે માટે સામાન્ય મતદાન પૂર્વે એમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન થતું હોય છે. રાજ્યભરમાં પોલિંગ બુથની કામગીરી સાથે સંકળાયેલ સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત 29 એપ્રિલથી શરૂ થયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 1 મે સુધી ચુંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ મતદાન કરશે. અમદાવાદમાં આજે અલગ અલગ જગ્યાઓ પર કર્મચારીઓની ટ્રેનિંગ સાથે જ પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
2 મે થી પોલીસકર્મીઓ મતદાન કરશે
પોલિંગ સ્ટાફની મતદાન પ્રક્રિયા 1 મે સુધી ચાલશે. ત્યારબાદ રાજ્યભરના સુરક્ષા કર્મચારીઓ 2 થી 4 મે સુધી મતદાન કરશે. મહત્વનું છે કે આ અગાઉ 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી 85 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ મતદાતાઓ અને દિવ્યાંગ મતદાતાઓએ મતદાન કર્યું હતું. આ મતદાતાઓ મતદાન મથક મથક સુધી પહોંચી ના શકતા હોવાથી મતદાન મથક એમના નિવાસસ્થાને લઈ જઈ મતદાન કરાવવામાં આવ્યું હતું.