બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર, કહ્યું જેમને તેઓ શહેજાદા કહે છે તે 4 હજાર કિલોમીટર ચાલ્યા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં પ્રચાર કર્યો. પ્રચાર દરમિયાન ભાગ્યે જ આક્રમક થતા પ્રિયંકા ગાંધીએ આજે લાખણીમાં તેમની જનસભા દરમિયાન પીએમ મોદી પર આક્રમક્તાથી એકબાદ એક પ્રહાર કર્યા. અને પીએમના મોદીના તમામ આરોપોનો ગુજરાતની ધરતી પરથી જ જવાબ આપ્યો. આજની પ્રિયંકાની જનસભામાં એવુ સ્પષ્ટપણે દેખાઈ આવતુ હતુ કે પીએમ મોદીના આરોપોનો ગુજરાતની ધરતી પરથી પલટવાર કરવામાં આવશે.
રાજ્યમાં પ્રચાર યુદ્ધ બરાબરનું જામ્યું છે. ત્રણેય પાર્ટીના કેન્દ્રના નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી પણ ગુજરાત પ્રવાસે હતા. પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ પ્રચાર કર્યો. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર બરાબર આડેહાથ લીધી. પીએમ મોદી તેમના પ્રચારમાં રાહુલ ગાંધી વિશે શહેઝાદા શબ્દનો પ્રયોગ કરે છે, તેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યુ કે એ શહેઝાદાએ 4 હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે અને આ દેશના તમામ લોકો સાથે કનેક્ટ થઈ તેમની સમસ્યાઓ નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ એક શહેનશાહ છે જે ક્યારે તેમના મહેલમાંથી જનતાને મળવા બહાર નથી આવતા. તેમણે કહ્યુ પ્રધાનમંત્રી મોદી શહેનશાહની જેમ વર્તે છે.
“મહિલાઓનું અપમાન કરનારાઓની સાથે મોદી”
પ્રિયંકા ગાંધીએ ક્ષત્રિય મહિલાઓના અપમાનનો મુદ્દો પણ સભામાં ઉઠાવ્યો હતો. પીએમ મોદી પર આક્રમક અંદાજમાં પ્રહાર કરતા કહ્યુ કે ગુજરાત સહિત દેશભરમાં જ્યાં જ્યાં મહિલાઓનું અપમાન થયું ત્યાં ત્યાં મોદીએ અપમાન કરનારા લોકોનો સાથ જ આપ્યો છે.
“મુદ્દા નથી રહ્યા એટલે પાકિસ્તાનની વાતો કરે છે”
આ સિવાય મોદીની પ્રચાર પેટર્નને લઈને પણ પ્રહાર કર્યો. તેઓએ કહ્યુ કે પહેલા માત્ર જૂઠ્ઠ બોલતા હતા પરંતુ હવે જૂઠ્ઠની સાથે સાથે પીએમ પદને શોભે નહી તેવા આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસની 55 વર્ષ સુધી સરકાર રહી ક્યારેય કોઈની ભેંસ લીધી ? ક્યારેય કોઈનું મંગળસૂત્ર કોંગ્રેસે ખેંચ્યું ? સાથે જ ચૂંટણી ભારતમાં છે અને પીએમ વાત કરે છે પાકિસ્તાનની આટલી હદની નિમ્ન વાતો દેશના પીએમને શોભે ખરી ?
ગુજરાતમાં વિકાસકાર્યોની વાત કરતા તેઓએ કહ્યુ કે અમૂલ અને બનાસ ડેરીને કોણે બનાવી ? આ સેક્ટર કોંગ્રેસના જમાનામાં બન્યુ અને હવે એ તમારા બધાનું છે પરંતુ હવે ભાજપના નેતાઓ તેના પર કબ્જો કરી રહ્યા છે. ભાજપના નેતાઓ તમામ જગ્યાએ દાદાગીરી કરીને હાથ મારી રહ્યા છે.
શહેઝાદા કહેવા પર ‘શહેનશાહ’ કહીને કર્યો પ્રહાર
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ લગભગ એક કલાક સુધી સભા સંબોધી અને એકે એક પ્રહારનો જવાબ આપતા અનેક મુદ્દા પર બોલ્યા. ભાજપના નેતાઓના તમામ આરોપોનો જવાબ આપ્યો અને વળતા પ્રહારો પણ કર્યા. રાહુલને શહેઝાદા કહેવાની વાત હોય કે મંગળસૂત્ર અને સંપત્તિ લેવાના આરોપો હોય તમામનો પ્રિયંકાએ જવાબ આપ્યો. બે દિવસમા પીએમે 6 સભાઓ કરી અને કોંગ્રેસ પર ખુબ વરસ્યા ત્યારે તેમના ગયા બાદ પ્રિયંકાએ ગુજરાતની ધરતી પરથી જ મોદીના તમામ આરોપોનો જવાબ આપવાનું પસંદ કર્યુ
આ પણ વાંચો: બનાસની બેન ગેનીબેનથી જાણીતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની tv9 સાથે ખાસ વાતચીત- જુઓ Video