છોટાઉદેપુર: ભાખા ગામમાં સરકારની ‘કષ્ટો સે છુટ્ટી’ ગેરંટીનો ફિયાસ્કો, નલ સે જલ યોજનામાં ગામ લોકો સાથે છલ, રોજેરોજ લાંબી રજળપાટ બાદ નસીબ થાય છે જળ
છોટાઉદેપુરમાં નલ સે જલ યોજનાની ગેરંટીનો પર્દાફાશ થયો છે. સરકારની જાહેરાતમાં તો મોટા મોટા દાવા કરાય છે કે કષ્ટો સે છુટ્ટી પરંતુ આ ભાખા ગામના લોકો સુધી હજુ આ ગેરંટી પહોંચી નથી. નસવાડી તાલુકાના ભાખા ગામમાં વર્ષો પછીય નળમાં જળ તો શું જળનું ટીપુય નથી, અને હવે તો નળ પણ કટાઈ ગયા છે.
સરકાર છેવાડાના ગામડાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે કરોડોનો ખર્ચ કરે છે. તમામને પાણી મળતુ હોવાના દાવા પણ કરવામાં આવે છે પરંતુ ધરાતલ પરની સ્થિતિ તો કંઈક અલગ જ ચિતાર આપે છે. વાત કરીએ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ભાઠા ગામની. અહીં નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે શોભાના ગાંઠિયા સમાન નળ તો પહોંચાડી દેવામાં આવ્યા. પરંતુ વર્ષો બાદ પણ ગામના લોકોને નળમાં જળ નસીબ નથી થયુ. નળ કટાઈ ગયા પરંતુ ગામલોકોને નળમાં આજદિન સુધી પાણી નથી મળ્યુ. ગામના મહિલા જણાવે છે કે મારા લગ્નના 15 વર્ષ થયા પરંતુ 15 વર્ષમાં એક દિવસ પણ મે નથી જોયુ કે નળમાં પાણી આવતુ હોય.
શોભાના ગાંઠિયા સમાન પાઈપલાઈન નાખી દેવાઈ પણ જળ તો છોડો જળનું ટીપુય ગામલોકોએ જોયુ નથી
15 વર્ષથી ગામની આ જ સ્થિતિ છે. ગામમાં નલ સે જલ યોજના હેઠળ સ્ટેન્ડપોસ્ટ અને નળ તો લગાવી દેવામાં આવ્યા એટલું જ. ત્યાર બાદ નળમાં પાણી આવે છે કે નહીં ? ક્યારે આવશે ? આવશે કે નહીં ? એ વિશે કોઈને કંઈ પડી નથી. આ તો શાળાના ઓરડાના લોકાર્પણ માટે ધારાસભ્ય અભેસિંહ તડવીએ ગામની મુલાકાત લીધી ત્યારે લોકોએ આક્રોશ સાથે પીવાના પાણીની રજૂઆત કરી. લોકોએ તેમને ગામમાં વર્ષોથી બનીને તૈયાર થયેલી આંગણવાડી પણ બતાવી કે જયાં નળ છે પણ પાણી નથી. આ જોતાં તેમણે તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો અને રીતસરના ખખડાવ્યા પણ ખરા, પરંતુ સુધરે તે બીજા.
અભેસિંહના ઠપકા બાદ ગામમાં પાઈપ લાઈન પર લાગ્યા શોભાના ગાંઠિયા સમાન નળ
અભેસિહ તડવીના ઠપકા બાદ એટલી નોંધ લેવાઈ કે નળ વગરની પાઇપ પર નળ જરૂર લાગી ગયા. પણ પાણી તો ન જ આવ્યું. નલ સે જલ યોજના આવી ત્યારે લોકોને આશા હતી કે હવે પીવાના પાણી માટે વલખા નહીં મારવા પડે પરંતુ હજીય મહિલાઓએ તો પોતાના પરિવાર અને પશુઓના પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરીને પાણી લાવવુ પડે છે ત્યારે આ મહિલાઓને આ કષ્ટોમાંથી મુક્તિ ક્યારે મળશે તે પણ સરકાર જણાવે તો સારુ. નેવાના પાણી મોભે ચડાવવાના દાવા તો કરાય છે પરંતુ સરકારના એ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ ભાખા ગામની આ મહિલાઓ જ જાણે છે.
નેવાના પાણી મોભે ચડાવવાના દાવાનો ફિયાસ્કો, 15 વર્ષથી ગામમાં નથી પાણી
આ તરફ કેનાલોના નવીનીકરણ માટે આવેલા મંત્રી કુંવરજી બાવળિયાને જ્યારે સવાલ પૂછાયો તો જવાબને બદલે તેમણે સુંદર મઝાનું નાનકડું ભાષણ આપ્યું. તેમણે એવું પણ કારણ આપ્યું કે ગામમાં પાણી સમિતિના સભ્યોના મતભેદને કારણે પણ આવું બને છે.
સૌની યોજના દ્વારા નર્મદાના પાણી છેક સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચ્યું છે પણ આ ગામોને પાણી નથી પહોંચી રહ્યું. સરદાર સરોવરના નિર્માણ માટે અનેક લોકોએ પોતાની જમીનો આપી છે પરંતુ તેવા જ લોકોને સિંચાઇનું કે પીવાનું પાણી નથી મળ્યું. ત્યારે ગામના લોકોનું કહેવું છે કે નળમાંથી જળ તો આવતા આવશે પણ નર્મદાનું જળ તો કોઈ પણ રીતે તેમના સુધી પહોંચાડો.
Input Credit- Maqbul MAnsuri- Chhota Udepur