છોટા ઉદેપુરમાં વિકાસની ગેરંટીનો ફિયાસ્કો, કુકરદા ગામે પાકા રસ્તાના અભાવે 108 ગામમાં ન આવતા પ્રસુતાને ઝોળીમાં નાખીને લઈ જવાઈ- વીડિયો
ગુજરાત મોડલની બધે મોટી મોટી વાતો તો બહુ થાય છે પરંતુ અહીં છેવાડાના ગામોમાં આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ લોકોને પાકા રસ્તા નથી મળતા. સ્થિતિ એટલી હદે દયનિય છે કે પાકા રસ્તા ન હોવાને કારણે કુકરદા ગામે એક પ્રસુતાને મધરાત્રે પ્રસુતીની પીડા ઉપડતા 4 કિલોમીટર સુધી તેને ઝોળીમાં નાખીને લઈ જવા તેના સ્વજનો મજબુર બન્યા
દેશમાં હાલ ચૂંટણીને માહોલ છે અને ટીવી પર હાલ સરકારની ગેરંટીની જાહેરાતો અવારનવાર જોવા મળે છે. વિકાસની ગેરંટી, શિક્ષાની ગેરંટી, કષ્ટોથી મુક્તિની ગેરંટી વગેરે વગેરે …. જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ ગેરંટી ધરાતલ પર દેખાય છે ખરી? આ સવાલ એટલા માટે થાય છે છોટા ઉદેપુર જેવા જિલ્લાને આજે પણ પછાત રાખી દેવામાં આવ્યો છે. વિકાસના મીઠા ફળ અહીં ક્યારે પહોચશે તે અહીંની ભોળી જનતા ભોળા ભાવે પણ ક્યારેય પૂછતી નથી કારણ કે કોઈપણ પક્ષની સરકારો હોય તેમને અહીંના વિકાસની કંઈ પડી જ નથી. જો પડી હોત તો આજે આઝાદીના 75 વર્ષ બાદ અહીંના લોકો પાકા રસ્તાથી વંચિત ન હોત.
108 ગામમાં ન આવી શક્તા પ્રસુતાને ઝોળીમાં નાખીને 4 કિલોમીટર ચાલીને લઈ જવાઈ
છોટા ઉદેપુરનું કુકરદા ગામ જ્યા આજે પણ પાકા રસ્તાનો અભાવ છે. પાકા રસ્તા ન હોવાને લીધે કોઈ મોટુ વાહન ગામમાં આવી શક્તુ નથી. નસવાડી તાલુકામાં આવેલા આ કુકરદા ગામે પાકો રસ્તો ન હોવાને કારણે 108 જેવી ઈમરજન્સી સારવાર પણ લોકોને નસીબ થતી નથી. ગેરંટી ભલે મફત સારવાર અને મફત દવાઓની અપાતી હોય પરંતુ એ સારવાર લેવા સુધી પહોંચવા માટેનો રસ્તો જ ન હોવાથી આજે પણ આ ગામના લોકોની સ્થિતિ અંધકાર યુગમાં જીવતા લોકો જેવી છે. અહીં મધરાત્રિના સમયે એક પ્રસુતા મહિલાને પ્રસુતિની ભયંકર પીડા ઉપડે છે અને 108 બોલાવવામાં આવે છે પરંતુ 108 ગામનો રસ્તો સારો ન હોવાથી ગામમાં આવી શક્તી નથી. આથી પ્રસુતાને 108 સુધી પહોંચાડવા માટે ખાનગી વાહનની વ્યવસ્થા કરવામાં જ સવાર પડી જાય છે. ત્યાં સુધી પ્રસુતા પીડામાં કણસતી રહી. આખી રાત પ્રસુતા એ ભયંકર પીડા સહન કરતી રહી કારણ કે ગામમાં રસ્તો ન હોવાથી 108 ગામમાં આવી ન શકી.
પ્રસુતાની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેને ઝોળીમાં નાખીને ખાનગી વાહનમાં લઈ જવાઈ જે બાદ તેને 108માં સુધી પહોંચાડવામાં આવે છે. આમાં મહિલાનો જીવ પણ જઈ શક્તો હતો, જો સમયસર સારવાર ન મળે તો મહિલા કે બાળકના જીવને જોખમ ઉભુ થાય પરંતુ ગરીબોના જીવની કિંમત એસી ચેમ્બરમાં બેસનારા નઘરોળ તંત્રના અધિકારીઓ નથી સમજતા.
કુકરદા ગામના લોકોને ક્યારે મળશે પાકા રસ્તા?
આપણે વાઈબ્રન્ટ જેવા મોટા મોટા કાર્યક્રમોમાં ઝાકમઝોળ કરીને બતાવીએ છીએ કે આ અમારો વિકાસ છે પરંતુ આ વિકાસના લાભ એ છેવાડાના ગામની પ્રસુતા સુધી હજુ સુધી કેમ નથી પહોંચ્યા તેનો કોઈ પાસે જવાબ નથી. અહીં દૃશ્યોમાં જોઈ શકાય છે કે પ્રસુતા મહિલાને ઝોળીમાં નાખીને લઈ જવાઈ રહી છે. ઢોળાવવાળા રસ્તેથી ખાનગી વાહનમાં બેસાડી મહિલાને 108 સુધી પહોંચાડવામાં આવી. અહીં સૌથી મોટો સવાલ એ છે કે વર્ષોથી આ ગામના લોકો પાકા રસ્તાની માગ કરી રહ્યા છે પરંતુ નઘરોળ તંત્રના પેટનું પાણી કેમ હલતુ નથી.?
Input Credit- Maqbul Mansuri- Chhota Udepur