પોતાની વિવિધ માગો મુદ્દે રાજ્યના અન્નદાતાઓ લડી લેવાના મૂડમાં, બોટાદ, વડોદરા, તાપીમાં વિવિધ માગો સાથે ખેડૂતોએ કર્યા દેખાવ- વીડિયો
વિવિધ પ્રશ્નો મુદ્દે રાજ્યના અન્નદાતાઓ લડી લેવાના મૂડમાં દેખાયા. ગઢડા તાલુકાના 10 ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માગણી સાથે આંદોલન પર ઉતર્યા છે. નર્મદાની પાણીથી ડેમ ભરવામાં આવે તેવી ખેડૂતોની માગણી તો બીજી તરફ વડોદરાના કરજણ, પાદરા અને સાવલી તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે મોરચો માંડ્યો છે. તાપી જિલ્લાના 44 ગામથી પસાર થનાર ગુડ્સ ટ્રેન કોરિડોર રદ કરવા અસરગ્રસ્તોએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી.
પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે રાજ્યના અન્નદાતાઓ લડી લેવાના મૂડમાં દેખાયા. સૌપ્રથમ બોટાદની વાત કરીએ તો બોટાદના ગઢડાના 10 ગામના ખેડૂતો સિંચાઇના પાણીની માગ સાથે આંદોલન પર ઉતર્યા છે. ગઢડાના ગોરડકા, ઉગામેડી, અડતાલા, લાખણકા અને તતાણા સહિતના 10 ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને રેલી કાઢીને સૂત્રોચ્ચાર કર્યો અને ગઢડા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી.
ખેડૂતોએ સિંચાઇના પાણી માટે સૌની યોજના અંતર્ગત આવતી લાઇનથી લીંબાડી, ઇતરીયા અને ઘેલો ડેમ ભરવા માગ કરી છે કારણ કે, ઓછા વરસાદના કારણે ડેમ ખાલીખમ પડ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં ડેમ ભરાઇ જતા હોય છે, જેથી ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહેતું હોય છે… પરંતુ આ વખતે ડેમ ખાલીખમ હોવાથી ખેડૂતો સૌની યોજના હેઠળ ડેમ ભરવા માગ કરી રહ્યા છે. જેથી ખેતી પાક ન બગડે.
એકતરફ રાજ્યમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એ સમયે જ ખેડૂતોએ પાણી નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે સૌની યોજના અંતર્ગત પાણી છોડવા અનેકવાર લેખિત રજૂઆત પણ કરી. છતાં પાણી છોડવામાં નથી આવ્યું. ખેડૂતોનું કહેવું છે, કે ઉનાળો આવી રહ્યો છે, ત્યારે પાણી નહીં મળે તો. ઘઉં, ચણા, જીરૂ અને ઘાસચારાને પાકને નુકસાની જશે અને ખેડૂતોને આર્થિક પાયમાલી વેઠવાનો વારો આવશે. માલ-ઢોરને પણ પાણી નહીં મળી શકે. જેથી ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ડેમ ભરવા માગ કરી છે. ત્યારે, મામલતદારે પણ સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત કરી છે.
આ તરફ વડોદરાના કરજણ, પાદરા અને સાવલી તાલુકાના ખેડૂતો સરકારે સંપાદિત કરેલી જમીનનો પૂરતો ભાવ ન મળતા સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ રેલવે ફ્રેઇટ કોરિડોર યોજના હેઠળ વળતર ચૂકવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. એક્તા ગ્રામી પ્રજા વિચાર મંચ હેઠળ ખેડૂતોએ આંદોલન કર્યુ છે. કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને જમીન સંપાદન અંગે પૂરતો ભાવ ચુકવવા ખેડૂતોએ માગ કરી હતી.
આ તરફ તાપીમાં જિલ્લા આદિવાસી પંચના નેજા હેઠળ 44 ગામોમાંથી પસાર થનાર ગુડ્સ ટ્રેન કોરિડોર અંગે રજૂઆત કરવા પહોચ્યા હતા. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આગેવાનો સહિત કોરિડોર રદ કરવાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરશે.