Loksabha Election 2024: ગુજરાતમાં 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, ક્યાં કેટલું મતદાન? જાણો
રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. હવે 4જૂને પરિણામ પર સૌની નજર રહેશે. મહાપર્વને લઈ ચૂંટણી પંચે પણ મહાતૈયારી કરી હતી. મહત્વનું છે કે, ગુજરાતમાં 50 હજારથી વધુ મતદાન મથકો સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી 2024નું મતદાન પૂર્ણ થયું છે. જેમાં 26 માંથી 25 બેઠકોમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક, ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા.
આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે.
હવે 4જૂને પરિણામ પર સૌની નજર રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપી હતી. ચૂંટણી કમિશનર પી. ભારતીએ જણાવ્યું કે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. આજે રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. છેલ્લા એક કલાકના આંકડા હજુ પણ બાકી છે.
મતદાન દરમિયાન મળી 8 EC એલર્ટ
EVM અંગેના 3 એલર્ટ, MCC ભંગનું 1 એલર્ટ અને અન્ય 4 એલર્ટ મળ્યા હતા. C vigil ના માધ્યમથી આજે 186 ફરિયાદ મળી છે. આજે EVM સંબંધિત 11, MCC 21 અને બોગસ વોટિંગ-કાયદા વ્યવસ્થા સંબંધિત 18 તેમ કુલ મળીને 92 ફરિયાદો મળી છે.
પ્રથામિક માહિતી અનુસાર, સુરતના સંણગારા, બનાસકાંઠાના બાકરી ગામે અને ભરૂચના કેસર, લોકોએ મતદાનનું સંપૂર્ણ બહિષ્કાર કર્યું હોવાની માહિતી મળી છે. મહત્વનું છે કે માંગરોળના વાટ ગામ તથા બાલાસિનોરના બોડોલી અને કુંજરા ગામે પાર્સિયલ બહિષ્કારની જાણકારી મળી છે. જે બાદ કમિશન દ્વારા આ બાબતે તપાસ કરી હતી.
ચૂંટણી કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફાઇનલ આંકડા રાત્રે 12 વાગ્યે સામે આવશે. પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.
રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.