30 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદમાં ભર શિયાળે વકર્યો રોગચાળો, ઝાડા ઉલ્ટી અને ટાઈફોડના કેસ આવ્યા સામે
આજ 30 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મહાત્મા ગાંધીજીની આજે 76મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ રાજઘાટ જઈને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીની તૈયારી માટે પૂર્ણિયા પહોંચી રહ્યા છે. JDU મહાગઠબંધનમાં સામેલ થયા બાદ પહેલી રેલી પૂર્ણિયા રંગભૂમિ મેદાનમાં યોજાઈ હતી. આ મેદાનમાં જ રાહુલ ગાંધી 30 જાન્યુઆરીએ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો અને સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર માટે કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટ લોન્ચ કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 288 કેસ અને જોન્ડીસના 97 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ટાઈફોડના 186 અને કોલેરાના 7 કેસ નોંધાયા છે. ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે. ડેન્ગ્યુના 36, સાદા મલેરીયાના 9, ઝેરી મેલેરીયાના 5 કેસ નોંધાયા છે.
-
મયંક અગ્રવાલે પાણી સમજીને પીધું ઝેરી પદાર્થ!
કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ સોમવારે રણજી ટ્રોફી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતાની સાથે જ તેમની તબિયત બગડી હતી. તેને મોં અને ગળામાં તકલીફ થવા લાગી હતી.
-
-
બેઈમાન બાબુઓ વિરુદ્ધ ગુજરાત ACB આકરા પાણીએ
બેઈમાન બાબુઓ વિરુદ્ધની લડાઈ ગુજરાત એસીબીએ વધુ ધારદાર કરી રહ્યુ છે. હવે લાંચિયા બાબુઓ કે તેમના મળતિયા દ્વારા જો ફરિયાદીને પરેશાન કરવામાં આવ્યા તો તેમની ખેર નહીં રહે. એસીબી આવા લાંચિયા અધિકારીઓ સામેની લડાઈમાં ફરિયાદીઓને રક્ષણ આપવા માટે શરૂ કર્યો છે CARE પ્રોજેક્ટ. આવો જાણીએ આ પ્રોજેક્ટ વિશે વિગતવાર.
-
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં બેના મોત, ભાજપના નેતા સહિત 5 ઘાયલ
મણિપુરમાં ફરી હિંસા ભડકવાની ઘટના સામે આવી છે. તાજેતરના ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને ભાજપના એક નેતા સહિત પાંચ ઘાયલ થયા હતા. પોલીસને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.
-
આવક કરતા 306 ટકા વધુ સંપત્તિ મુદ્દે અમદાવાદ મનપાના અધિકારી સુનિલ રાણા પર તવાઈ
અમદાવાદ મહાનગરપાલિકાના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા સામે ACBએ અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધ્યો છે. સુનિલ રાણાની તપાસમાં તેમની આવક કરતા 306 ટકા વધુ મિલક્ત મળી આવી છે. 3 ફ્લેટ અને 1.50 કરોડની એફડી. આ તમામ વિગતો સામે આવ્યા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
-
-
લાંચિયા બાબુ સામે વિપક્ષ કોંગ્રેસે માંડ્યો મોરચો, બેનરો સાથે વિરોધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ-2 અધિકારી સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલ્કતની ACB દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોતાની આવક કરતા વધુ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચનારા સુનિલ રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. હવે આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક છે અને કમિશનરને મળી તમામ એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે તપાસ કરવાની માગ કરી રહી છે.
-
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ પર દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દર્દીને ગાદીનું ઓપરેશન કરાવવવાનું હતું. તે માટે ઉપલેટાથી પરિવાર આવ્યો હતો અને ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે ઓપરેશનના થોડા દિવસ બાદ દર્દીને રાહત મળવાનો બદલે મુશ્કેલી વધી હતી.
-
અમદાવાદ બોગસ માર્કશીટ કેસમાં મેટ્રો કોર્ટનો મહત્વનો ચુકાદો
- વર્ષ 1980માં પાલડીના યુવકે સાયન્સમાં એડમિશન મેળવવા માર્કશીટ બોગસ બનાવ્યા અંગે થઈ હતી ફરિયાદ
- 43 વર્ષ પછી આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારના દંડની સજા સંભળાવતી મેટ્રોકોર્ટ
- ગંભીર ગુનો હોવાનું ટાંકતા લોકો કૃત્યનું પુનરાવર્તન ના કરે તે દાખલો બેસાડતી સજા મેટ્રોકોર્ટ સંભળાવી
-
પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયાને મળી રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા
યાત્રા દરમિયાન એક એસ્કોર્ટ ગાડી ટીમ સાથે રેહશે. ટીમ વીવીઆઈપી ગેટથી હોટલમાં એન્ટ્રી કરશે. આ એન્ટ્રી માત્ર રાજ્યના પ્રમુખો માટે હોય છે. બોમ્બ સ્કવોર્ડ દરેક સવારે આ સ્થળની તપાસ કરશે, કાર્યક્રમ સ્થળ પર કોઈને પ્રવેશ આપવમાં આવશે નહીં.
-
ટ્રસ્ટની જમીનને બિનખેતી કરવાની મળશે મંજૂરી
જમીન બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી. કેટલાકને અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો. ત્યારે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે. નવા કાયદાને કારણે 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે.
-
12મી ફેબ્રુઆરીએ યોજાશે રોજગાર મેળો
રોજગાર મેળો 2024: કેન્દ્ર સરકાર દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં 46 વિવિધ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી પસંદગીના યુવાનોને નિમણૂક પત્ર આપશે અને તેમને સંબોધન પણ કરશે. વિવિધ સ્થળોએ યોજાનાર મેળામાં કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે.
-
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહના પુત્ર અને પત્નીનું રોડ એક્સિડન્ટ
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ અને તેમની પત્ની ચિત્રા સિંહનું અલવરમાં રોડ એક્સિડન્ટ થયું હતું. ચિત્રા સિંહનું અકસ્માતમાં મોત થયું હતું.
-
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓનો હુમલો, પાંચ કમાન્ડો ઘાયલ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ સાથે ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ CRPF કમાન્ડો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
ગાંધીનગર આવતી કાલે સાંજે મળશે ભાજપના MLA દળની બેઠક..
- ગાંધીનગર ખાતે મળશે ભાજપના MLA દળની બેઠક…
- બેઠકમાં તમામ MLA હાજર રહેવા માટે જણાવાયું…
- બજેટ સત્ર શરૂઆત પૂર્વ ભાજપના MLA દળની મળશે બેઠક…
- બેઠકમાં સદનની કામગીરી અને બજેટ સ્ત્ર મુદ્દે કરશે MLA માહિતગાર…
- આવનાર રાજ્યસભાની ચૂંટણી અંગે MLA આપશે માહિતી…
- રાજ્યસભાની યોજનાર ચૂંટણીમાં 70 જેટલા MLA કરશે પ્રથમ વખત મતદાન…
-
વડોદરા-ગેરતપુર સેક્શનના કામગીરીને લઈ કેટલીક ટ્રેનો કરાઇ રદ
31 જાન્યુઆરી 2024 ના રોજ રદ ટ્રેનો
- ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
01 ફેબ્રુઆરી 2024 ના રોજ રદ ટ્રેનો
- ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024 ના રોજ આંશિક રૂપે રદ થનારી ટ્રેનો
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
-
રાહુલ ગાંધીએ નીતિશ કુમાર પર તોડ્યું મૌન
રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ઈન્ડિયા ગઠબંધન સાથેના સંબંધો તોડીને ફરીથી NDAમાં સામેલ થવા પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે દબાણ આવતા જ તે યુ-ટર્ન લઈ લે છે. ઓબીસી સમાજ દેશનો સૌથી મોટો સમાજ છે. પરંતુ આજે હું તમને પૂછું છું કે આ દેશમાં ઓબીસીની વસ્તી કેટલી છે, તમે આનો જવાબ આપી શકતા નથી.
-
સતત બીજા વર્ષે ગુજરાતની ઝાંખીની ભવ્ય જીત, ધોરડોની ઝાંખીને મળ્યુ પ્રથમ સ્થાન
પ્રજાસત્તાક દિવસના પર્વ પર કર્તવ્ય પથ પર ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના કચ્છનો ધોરડાની ઝાંખીને પ્રસ્તુત કરવામાં આવી હતી. ધોરડાની ઝાંખીને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.
-
પાકિસ્તાને જૂની કરન્સી પર લગાવ્યો પ્રતિબંધ ?
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભયંકર સંકટમાંથી પસાર થઈ રહી છે. હાલમાં જ આપણે જોયું કે દેશના વર્તમાન કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકડે ચીન પાસેથી લગભગ 2 અબજ ડોલરની લોનની માંગવી પડી હતી. પાકિસ્તાન સરકાર પહેલાથી જ સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફના રક્ષણ હેઠળ છે. હવે પાકિસ્તાને નિર્ણય લીધો છે કે તે નોટોની નવી બેચ છાપશે.
-
બજેટ સત્રને લઈને સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, 30 પક્ષોના 45 નેતાઓએ હાજરી આપી
બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે આજે એટલે કે મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં 30 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. સંસદ સંકુલની લાઇબ્રેરીમાં આયોજિત આ બેઠકમાં સરકાર વતી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ હાજર હતા. તે જ સમયે, કોંગ્રેસ તરફથી કે સુરેશ અને પ્રમોદ તિવારી હાજર હતા, જ્યારે ટીએમસી તરફથી સુદીપ બંદોપાધ્યાય હાજર હતા. આ સર્વપક્ષીય બેઠકમાં 30 પક્ષોના 45 નેતાઓએ ભાગ લીધો હતો.
-
રામ મંદિરની સુરક્ષા માટે ઇઝરાયલની એન્ટિ-ડ્રોન સિસ્ટમ એક્ટિવ થશે
અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ સૂત્રોએ મીડિયા સામે પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલ દ્વારા નિર્મિત એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશમાં કેટલાક અન્ય ટોપ મહત્વની સંસ્થાઓની સાથે અયોધ્યા રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી શકે છે.
-
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાંથી મળશે રાહત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થતા ગુજરાતમાં ઠંડીમાંથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતમાં તાપમાનમાં બે ડીગ્રી જેટલો વધારો થશે. પવનની દિશા ઉતર થી ઉત્તર પશ્ચિમ તરફની રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું. ગાંધીનગરમાં ઠંડીનો પારો 13.4 ડીગ્રી રહ્યો હતો.
-
PFIના 14 સભ્યો સહિત 15 લોકોને ફાંસીની સજા, ભાજપ નેતાની કરી હતી હત્યા
કેરળની એક કોર્ટે કુલ 15 લોકોને મોતની સજા સંભળાવી છે. તે બધા પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના છે. PFI હવે સમગ્ર દેશમાં પ્રતિબંધિત છે. આ તમામ 15 દોષિતોને ભારતીય જનતા પાર્ટી ઓબીસી નેતા રંજીથ શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
-
અમદાવાદમાં ડીઝલ બસ ચલાવવાનું બંધ કરશે AMST, 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. આ ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદ શહેરમાથી હવે ડીઝલ બસનું સંચાલન બંધ કરવાની વાત કરાઈ છે. ડીઝલ બસના સ્થાને અમદાવાદમાં ઇ-બસ અને સીએનજી બસો જ ચલાવાશે. નાણાંકીય વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રૂ 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. શહેરના માર્ગો પર દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન સુચવવામાં આવ્યું છે. 1020 પૈકી 895 બસ ખાનગી ઓપરેટરની, અન્ય બસ AMTS માલિકીની રહેશે. જો કે AMTS ના માથે લોન રૂપી 410 કરોડનું દેવું છે. વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર AC બસ દોડાવવાનું પણ આયોજન વિચારાયું છે.
-
EDએ કર્યો દાવો : દિલ્હીમાં હેમંત સોરેનના ઘરમાંથી 36 લાખ રોકડા, લક્ઝરી કાર, દસ્તાવેજો કર્યા જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ દિલ્હીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાન સહિત ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કથિત જમીન કૌભાંડમાં સંડોવાયેલા સોરેનના ઘરની તપાસ કર્યા બાદ તપાસ એજન્સીએ રોકડ, કાર અને દસ્તાવેજો મળી આવ્યાનો દાવો કર્યો છે. જો કે, તપાસ એજન્સી સીએમને મળી શકી ન હતી, જે રવિવાર રાત સુધી દિલ્હીમાં હોવાના અહેવાલ હતા. ED સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે SUV કાર સિવાય, સોરેનના પરિસરમાંથી 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે તો કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
-
પીએફઆઈના 14 લોકોને ફાંસીની સજા, બીજેપી નેતાની હત્યાના હતા દોષી
કેરળ હાઈકોર્ટે કુલ 14 લોકોને મોતની સજા સંભળાવી છે. ફાંસીની સજા પામેલા બધા પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના છે. PFI હવે સમગ્ર દેશમાં પ્રતિબંધિત છે. આ તમામ 14 દોષિતોને ભારતીય જનતા પાર્ટીના OBC નેતા રંજીથ શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
-
ઝારખંડમાં નવા જૂનીના એંધાણ, મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપી રાજભવન પહોંચ્યા
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપી સહિત ઘણા ટોચના અધિકારીઓ રાજભવન પહોંચ્યા છે. રાજ્યની વર્તમાન સ્થિતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા ઉચ્ચ સનદી અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.
-
પાર્સલની આડમાં સુરત તરફ લઈ જવાતો દારુ પોલીસે ઝડપી પાડ્યો
વલસાડ રૂરલ પોલીસે પાર્સલની આડમાં લઈ જવાતો 10 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ડાક પાર્સલનો બંધ ટેમ્પો બનાવી લઈ જવાતો હતો લાખો રૂપિયાનો દારૂ. નેશનલ હાઇવે 48 પર પેટ્રોલીંગ દરમિયાન પારનેરા ગામ નજીક દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સંઘ પ્રદેશથી સુરત તરફ દારૂનો જથ્થો લઈ જવાતો હતો. પોલીસને જોતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો છે. રૂરલ પોલીસે કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાજપ હારશે, ભગવાન રામ પણ નહીં બચાવે : સંજય રાઉત
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે, નીતિશ કુમારને તોડો, શિવસેનાને તોડો. હેમંત સોરેન પર દરોડા પાડો, કેજરીવાલ પર દરોડો પાડો. આ નાટક કેમ ચાલે છે ? 400 બેઠકો તો શું ભાજપ 200 બેઠકો પણ પાર નહીં કરી શકે ? ભાજપ હારી જવાનુ છે. ભગવાન રામ પણ તેમને બચાવી નહી શકે.
-
મહાગઠબંધનના ધારાસભ્યોની આજે બોલાવવામાં આવી બેઠક, CM સોરેન રહેશે હાજર
ઝારખંડમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે મહાગઠબંધનના ધારાસભ્યોની બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે યોજાનારી મહાગઠબંધનની બેઠકની અધ્યક્ષતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કરશે. ધારાસભ્યોને એક રાખવા માટે સીએમ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને શોધી રહી છે.
-
મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓમોટો પર કાર્યવાહી, રાજ્યના જર્જરીત બ્રિજ મુદ્દે આજની સુનાવણી મહત્વની
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાનો મામલે હાઇકોર્ટે લીધેલી સૂઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી દરમિયાન 113 બ્રિજોના રિસ્ટરેશન અને રી કન્સ્ટ્રક્શન માટેનો પ્લાન સરકાર હાઈકોર્ટમાં રજૂ કરી શકે છે. અસરગ્રસ્તોને થયેલી માનસિક અસર મામલે તબીબી સારવારના મુદ્દે સરકાર શું કરી રહી છે તેનો કોર્ટે માંગ્યો હતો ખુલાસો. અગાઉ હાઈકોર્ટે કહ્યું હતું કે, અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરે. આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેશે. ,
-
લદ્દાખમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા
આજે વહેલી સવારે 05:39 વાગ્યે લેહ, લદ્દાખમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4ની નોંધાઈ હતી. આંચકાને કારણે જાનમાલને નુકસાનના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
-
દક્ષિણ સુદાન સરહદ પર હુમલામાં 50 થી વધુ લોકોના મોત
દક્ષિણ સુદાનની સરહદ પર થયેલા હુમલામાં મહિલાઓ, બાળકો અને સંયુક્ત રાષ્ટ્રના બે શાંતિ રક્ષકો સહિત 50થી વધુ લોકો માર્યા ગયા હતા.
Published On - Jan 30,2024 7:20 AM