ભારતનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર જીલ્લાના દરિયા કિનારે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કને વર્ષ 1980 અને 1982માં કચ્છના અખાતમાં બનાવવામાં આવ્યું. આ અભયારણ્ય 458 ચોરસ કિમીમાં ફેલાયેલું છે, જેમાંથી ઉદ્યાન 163 ચોરસ કિમીને આવરી લે છે. તે જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે 42 ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. જ્યાં દરિયાઈ વન્યજીવ અભયારણ્ય કોરલ એટલે કે પરવાળાના સમૂહ આવેલ છે. અહી પિરોટન, નરારા, અજાડ અને પોસીત્રા ટાપુઓ પર કેટલાક શ્રેષ્ઠ કોરલ રીફ જોવા મળે છે.