ઇફ્કોની ચૂંટણીના વિવાદ મુદ્દે જયેશ રાદડિયાના વિરોધીઓ પર પ્રહાર, કહ્યું આક્ષેપો કરનારા પહેલા જુએ તેમનો ભૂતકાળ, સામાજિક સંસ્થાઓ રાજનીતિમાં ન કરે દખલ
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી હાઇપ્રોફાઇલ ડ્રામા બની છે. ઇફ્કોના ડિરેક્ટર પદ માટે રાજકીય કાવાદાવાઓની સાથે સામાજિક સંસ્થાઓનું પણ રાજકારણ કર્યાનું બહાર આવ્યું છે. ભાજપના મેન્ડેન્ટ વિરુદ્ધ થયેલી આ ચૂંટણીએ ભાજપનો આંતરિક ખટરાગ ખુલ્લો કર્યો તો મેન્ડેન્ટનું પાલન નહિ કરનાર સામે કાર્યવાહીની માંગ કરાતા રાજકારણ ગરમાયું છે.
બે દિવસ પહેલા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો. આ ચૂંટણીમાં ભાજપે બિપીન ગોતાને મેન્ડેન્ટ આપ્યું હતું પરંતુ તેની સામે જયેશ રાદડિયાનો 114 મતે વિજય થયો.આમ તો સહકારી ક્ષેત્રની આ ચૂંટણી મોટાભાગે બિનહરીફ જ થતી હોય છે પરંતુ આ વખતની સ્થિતિ કંઇક અલગ હતી. ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ ચૂંટણીમાં મેન્ડેન્ટ આપ્યાની વાતનો સ્વીકાર કર્યો હતો. જો કે રાદડિયાએ પોતાના બળે ચૂંટણી જીતીને સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો.
જીત બાદ પ્રથમ વખત જયેશ રાદડિયા મીડિયા સામે આવ્યા હતા. મેન્ડેન્ટ અંગે રાદડિયાએ દાવો કર્યો હતો કે ઇફકોની ચૂંટણી જાહેર થઇ ત્યારે ગત 24 તારીખે સૌ પ્રથમ તેમણે ફોર્મ ભર્યું હતું.જ્યાં સુધી મેન્ડેન્ટની વાત છે ત્યાં સુધી તેમને આજે પણ મેન્ડેન્ટ વિશે કોઇ માહિતી નથી. ઇફકોમાં મેં કોઇ વિરોધ પક્ષનું કામ નથી કર્યું પરંતુ ભાજપને જ આ સીટ અપાવી છે. હું આજે પણ ભાજપનો કાર્યકર છું.
ઈફ્કોમાં મેન્ટેડ વિવાદમાં સહકારી સંસ્થાના હરીફો મેદાને
ઇફકોમાં મેન્ડેન્ટનું પાલન ન થવાની ઘટના બનતા જયેશ રાદડિયાના રાજકોટ જિલ્લાના સહકારી હરીફો મેદાને આવ્યા. રાજકોટના સહકારી આગેવાન બાબુ નસીતે કહ્યું હતું કે રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી સમયે મેં વ્હિપનો અનાદર કર્યો હતો ત્યારે મને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે જયેશ રાદડિયા અને તેને મત આપનાર 114 જેટલા મતદારો સામે કાર્યવાહી કેમ નહિ? ભાજપે આ કિસ્સામાં કાર્યવાહી કરીને કાર્યકર્તાઓને ન્યાય આપવો જોઇએ
સામાજિક સંસ્થાઓ રાજનીતિમાં ન કરે દખલ- જયેશ રાદડિયા
રાજકોટના સહકારી આગેવાનોએ જયેશ રાદડિયાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી તેની પ્રદેશ ભાજપ સુધી રજૂઆત કરતા હવે મામલો ગરમાયો છે. વાત આટલાથી અટકતી નથી. ઇફકોના ડિરેક્ટર પદની આ ચૂંટણીમાં રાજકીય દાવપેંચમાં લેઉવા પાટીદાર સમાજની સામાજિક સંસ્થા પણ બાકાત નથી. સૂત્રોના કહેવા પ્રમાણે રાદડિયાને હરાવવા માટે અને બિપીન ગોતાના સમર્થનમાં મતદાન કરવા માટે લેઉવા પાટીદાર સમાજની એક સંસ્થાના ટ્રસ્ટી દ્રારા મતદારોને ફોન કરવામાં આવ્યા હતા. જો કે આ ફોન કોલ રાદડિયા સુધી પહોંચી જતા સામાજિક સંસ્થાનો ભાંડો ફુટી ગયો હતો. જયેશ રાદડિયાએ આ અંગે સામાજિક સંસ્થાને જવાબ આપતા કહ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ આ પ્રકારના રાજકારણથી દુર રહેવું જોઇએ. જો તેઓએ આ પ્રકારની રાજનિતી કરવી હોય તો રાજકારણમાં આવવું જોઇએ. લેઉવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાએ પણ આ પ્રકારની રાજનિતી કરતા ટ્રસ્ટીને સંસ્થામાંથી દુર કરવાની માંગ કરી છે.
ઈફ્કોની ચૂંટણી બાદ હાઈપ્રોફાઈલ કાવાદાવા
અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોની સીધી રીતે કોઇ દખલગીરી ન હતી પરંતુ ભાજપના અધ્યક્ષ તરીકે સી આર પાટીલ આવ્યા બાદ સહકારી સંસ્થાઓની વરણીમાં મેન્ડેન્ટ આપવાની શરૂઆત કરાઇ છે. આ પરંપરા રાજ્યની સહકારી સંસ્થાઓમાં ચાલી હતી પરંતુ રાષ્ટ્રીય સંસ્થામાં તેનો અમલ થયો નહિ. ઇફકોનું ડિરેક્ટર પદ ભલે નાની ચૂંટણી હોય પરંતુ તેમાં જે રાજકીય કાવાદાવાઓ થયાં તે હાઇપ્રોફાઇલ જોવા મળ્યા છે. હવે જ્યારે જયેશ રાદડિયાએ મેન્ડેન્ટનો અનાદર કર્યો અને તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે ત્યારે પ્રદેશ ભાજપ આ અંગે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: Loksabha Election 2024 : સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો છે ખાસ, જાણો શું છે અહીંનું રાજકીય સમીકરણ