શું ક્ષત્રિય આંદોલન હવે આંદોલનકારીઓના હાથમાં પણ નથી રહ્યું ? સ્વયંભુ વિરોધથી મુશ્કેલીઓ વધી
એક તરફ કોર કમિટીના સભ્યો યુવાનોને શાંતિ જાળવવા, કાયદો હાથમાં ન લેવા અને ઉગ્ર વિરોધ ન કરવાની અપીલ કરી રહ્યા છે બીજી તરફ યુવાનો હવે ઉગ્ર વિરોધ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કોર કમિટી પણ સતત શાંતિની અપીલ કરી રહી છે. જો કે ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની લડાઇ બનેલું આ આંદોલન આગામી દિવસોમાં ક્યું નવુ સ્વરૂપ ધારણ કરશે.
રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો વિરોધ અને ગુસ્સો આસમાને છે.રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર રેલી,સભા અને આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે.અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજની 90 સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીઓ આ આંદોલનની રૂપરેખા ઘડી રહ્યા છે જો કે છેલ્લા બે થી ત્રણ દિવસથી આંદોલન સમિતીના સિદ્ધાંતો વિરુદ્ધ ક્ષત્રિય આંદોલન આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આંદોલન સમિતીના ધ્યાને ન હોય તે રીતે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે અને રાજપૂતો પરશોતમ રૂપાલાના વિરોધ બાદ ભાજપના કાર્યક્રમોમાં વિરોધ કરવાની શરૂઆત કરી છે.રૂપાલાના નિવેદન,વિવાદ અને માફી બાદ પણ જે રીતે આ આંદોલન હવે જે રીતે સ્વયંભુ બની ગયું છે જેના કારણે પરશોતમ રૂપાલા અને ભાજપની મુશ્કેલીમાં જરૂર વધારો થયો છે.
શું આંદોલનકારીઓના હાથમાં નથી રહ્યું આંદોલન
રૂપાલાના નિવેદન બાદ જે રીતે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી તે બાદ 90 જેટલી ક્ષત્રિય સમાજની સંસ્થાઓ દ્રારા મોરચો સંભાળવામાં આવ્યો હતો. પ્રથમ આંદોલનની રૂપરેખા અને ત્યારબાદ સરકાર સાથે વાતચીત કરવામાં પણ આ કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. સરકારને પણ એમ હતું કે આ કમિટીને વિશ્વાસમાં લેવામાં આવશે તો આ આંદોલનનો વ્યવહારૂ અને સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે પરંતુ હવે એવું રહ્યું નથી. જે રીતે ક્ષત્રિય સમાજના લોકો દ્રારા ભાજપના કાર્યક્રમોમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે તેને ભાજપની મુશ્કેલી વધારી છે.
નવાઇની વાત તો એ છે કે આ વિરોધ આંદોલનની કોર કમિટીની રૂપરેખામાં પણ ન હતો અને તેની જાણમાં પણ ન હતો. આંદોલનકારીઓ ઇચ્છે તો પણ હવે આ મુદ્દામાં સર્વ સંમતિ સઘાઇ તેવી શક્યતા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. એક તરફ ભાજપ રૂપાલાની ટિકીટ રદ્દ નહિ કરવા માટે મક્કમ છે. બીજી તરફ કોર કમિટીને વિશ્વાસ છે કે ફોર્મ ભરતા પહેલા રૂપાલાની ટિકીટ રદ્દ થશે જેના કારણે કોર કમિટીએ હાલમાં મર્યાદિત અને શાંતિપૂર્ણ કાર્યક્રમોની જાહેરાત કરી છે. જો રૂપાલાની ટિકીટ રદ્દ નહિ થાય તો આ આંદોલન ઉગ્ર બની શકે છે અને તેમાં આંદોલનકારી કોર કમિટીના સભ્યોની વાત પણ રાજપૂત સમાજના યુવાનો ન સાંભળે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
આ આંદોલનના કોઇ નેતા નથી
રાજ્યમાં અને દેશમાં જ્યારે જ્યારે પણ મોટા આંદોલનો થયા છે ત્યારે તેના કોઇને કોઇ નેતા હોય છે. સામાજિક આંદોલન અને સરકાર સામેના આંદોલનનમાં આંદોલનનો ચહેરો હોય છે જે આંદોલનને પ્રતિનિધીત્વ કરતો હોય છે. આવા વખતે સરકાર અને સામાજિક આગેવાનોને વાટાઘાટો કરવી થોડી સહેલી બની જતી હોય છે પરંતુ આ આંદોલનના કોઇ નેતા નથી. આ આંદોલનનો કોઇ ચહેરો નથી જેના કારણે સમાધાનમાં ઘણાં વિક્ષેપ આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં સત્તાપક્ષ દ્રારા આંદોલનકારી કોઇ નેતા હોય તો તેને દબાવવાના પણ પ્રયાસ થતા હોય છે પરંતુ આ સામાજિક આંદોલનમાં આ શક્ય નથી અને સ્વયંભુ આંદોલન બની રહ્યું છે. શક્ય છે કે જો કોર કમિટી કોઇ મુદ્દે સરકાર સાથે વાટાઘાટ કરે તો સર્વ સમાજ તેને સ્વીકારે પણ નહી.
ખંભાળિયા-કચ્છમાં વિરોધ લાલબત્તી સમાન
પરશોત્તમ રૂપાલાથી શરૂ થયેલો આ વિરોધ હવે ભાજપ સુધી પહોંચી ગયો છે અને ભાજપના નેતાઓને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન ખંભાળિયામાં સી આર પાટીલની સભામાં ક્ષત્રિય સમાજ દ્રારા કાળા વાવટા ફરકાવીને ખુરશીઓ ઉડાડીને કરેલો વિરોધ અને કચ્છમાં વિનોદ ચાવડાની કારનો ઘેરાવ આ ઘટનાથી ભાજપની ઉઁઘ ઉડી ગઇ છે અને લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન જો રાજપૂત સમાજની માંગ નહિ સ્વીકારવામાં આવે તો ઉગ્ર વિરોધનો સામનો કરવો પડશે.
એક તરફ કોર કમિટીના સભ્યો યુવાનોને શાંતિ જાળવવા, કાયદો હાથમાં ન લેવા અને ઉગ્ર વિરોધ ન કરવાની અપીલ કરી રહ્યા છે બીજી તરફ યુવાનો હવે ઉગ્ર વિરોધ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કોર કમિટી પણ સતત શાંતિની અપીલ કરી રહી છે. જો કે ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની લડાઇ બનેલું આ આંદોલન આગામી દિવસોમાં ક્યું નવુ સ્વરૂપ ધારણ કરે છે તે આગામી સમય જ બતાવશે.