રૂપાલા સામે આંદોલનમાં હવે તમામ સમાજને સાથે લેવાની બનાવાઈ રણનીતિ, સાબરકાંઠામાં ધારાસભ્યને ધક્કે ચઢાવ્યા, આણંદ-વિરમગામમાં પણ વિરોધ
રાજપૂતોનો વિરોધ આસમાને છે. સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે...હવે રાજપૂત VS ભાજપની લડાઈ થઈ ગઈ છે. આવું એટલા માટે કારણ કે ઠેર ઠેર ભાજપના કાર્યક્રમ સ્થળ પર હલ્લાબોલ થઈ રહ્યું છે. અને યુવાઓ સ્થળ પર જઈને રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા છે. અનેક સ્થળ પર પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.
રાજકોટથી શરૂ થયેલ ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન પહેલા સૌરાષ્ટ્ર અને હવે આખા ગુજરાતમાં થઈ રહ્યું છે. વિરોધની આગ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ બરાબરની ફેલાઈ છે. સાબરકાંઠામાં ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યુ. જ્યારે વિરમગામમાં પણ રાજપૂતોનો આક્રોશ જોવા મળ્યો. આ બંન્ને દ્રશ્યો સતત વધી રહેલા રાજપૂતોના આક્રોશની ચાડી ખાય છે. હવે ગુજરાતમાં 15 દિવસ જ ચૂંટણીને બાકી છે ત્યારે રાજપૂતો પોતાની માગ સાથે અડગ હતા છે અને રહેશે તેવો આક્રમક અંદાજ જોવા મળી રહ્યો છે. હવે બની રહેલ વિરોધની ઘટનાઓમાં કોંગ્રેસના કાર્યકરો અને રાજપૂત સમાજના આગેવાનો સાથે રહીને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.
વિરમગામની વાત કરીએ તો અહિં ચૂંટણી સંદર્ભે ભાજપની સભા ચાલી રહી હતી. નેતાજીઓ સ્ટેજ પર હતા અને તેમના સમર્થકો સાંભળી રહ્યા હતા પરંતુ ત્યાં જ ચાલુ સભામાં રાજપૂત સમાજના યુવકો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરી રહેલા તમામ લોકો યુવા હતા. અહીં તેઓ આવ્યા બાદમાં રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત તમામ લોકો કાંતો વેપારીઓ કાંતો સામાન્ય નાગરીક હતા. આ ઘટના બની ત્યારબાદ પોલીસ પણ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી લગભગ 10 જેટલા યુવકોને અટકાવવામાં આવ્યા હતા અને તમામ 10 લોકો સામે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ જ્યાં જ્યાં ભાજપના કાર્યક્રમ થાય તે તમામ જગ્યાએ રાજપૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. અને આવનારા 15 દિવસ સુધી આ જ સ્થિતિ જોવા મળી શકે છે. કારણ કે રાજપૂત સમાજ હવે આરપારની લડાઈમાં આવી ગયો છે.
આ તરફ સાબરકાંઠામાં પણ રૂપાલાને લીધે રાજપૂતો સતત વિરોધ કરી રહ્યા છે. વડાલીમાં ભાજપ ચૂંટણી પ્રચાર સંદર્ભે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાની હતી..અને તે માટે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા પહોંચ્યા હતા પરંતુ અહિં રાજપૂત સમાજ દ્વારા બરાબરનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને ભાજપ તથા રમણલાલ વોરાનો વિરોધ કર્યો હતો. રમણલાલ વોરા સાથે પ્રદર્શનકારીઓએ ધક્કામુક્કી પણ કરી હતી.
જોકે પોલીસ અહિં પણ ઉપસ્થિત હતી અને એટલે પોલીસે અહિં પણ કાર્યવાહી કરતા અનેક લોકોની અટકાયત કરી લીધી હતી જોકે લોકોને પોલીસસ્ટેશન લઈ જવાતા કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ કુંપાવત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા પોલીસ સ્ટેશન પરિસરમાં પણ વિરોધ પ્રદર્શન કરતા સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. લોકોમાં રહેલો આક્રોશ સતત વધી રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે. આસ્થિતિમાં સવાલ એ છે કે …..
- શું વિરોધની ‘આગ’ હજી ફેલાશે ?
- શું આગામી 15 દિવસ પ્રદર્શન થશે ?
- શું અન્ય રાજ્યોમાં પણ વિરોધ થશે ?
- શું ભાજપની મુશ્કેલી વધી શકે છે ?
- હવે ચૂંટણીમાં આરપારની સ્થિતિ સર્જાશે ?
આ તમામ સવાલો એટલા માટે કારણ કે સરકાર સાથે રાજપૂતોની અનેક મંત્રણાઓ થઈ પરંતુ તમામમાં રાજપૂતો રૂપાલાને હટાવવાની માગ સાથે અડગ હતા એટલે મંત્રણાઓ નિષ્ફળ રહી. અને એટલે વિરોધ પાર્ટ ટુ શરૂ થયું છે. હવે જ્યારે ચૂંટણીને માત્ર 15 દિવસ જેટલો જ સમય બાકી છે ત્યારે મામલો વધુ ગરમાય શકે છે. રાજપૂતો મક્કમ છે અને ભાજપ રૂપાલાને ના બદલની અડગ છે ત્યારે આગામી દિવસોમાં વિરોધના ભાગરૂપે શું ગતિવિધી જોવા મળે છે તે જોવું રહ્યું