કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે tv9 સાથે કરી ખાસ વાતચીત- ગુજરાત મોડલને ગણાવ્યુ મોદી મોડલ- જુઓ વીડિયો
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા ગુજરાત કોંગ્રેસને સંજીવની આપવાનો પ્રયાસ તો ચોક્કસથી થયો. ગુજરાતના મોટાભાગના આદિવાસી બેલ્ટમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ફરી હતી અને આદિવાસીઓના પ્રાણ પ્રશ્નો ગણાતા જળ, જંગલ અને જમીન મુદ્દે ન્યાયની વાત કરવામાં આવી, tv9 સાથેની વાતચીતમાં જયરામ રમેશે કેન્દ્રની મોદી સરકારને ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી અને ગુજરાત મોડલને રદિયો આપતો કહ્યુ કે એ મોદી મોડલ છે, ગુજરાત મોડલ કોંગ્રેસે બનાવ્યુ છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની ગુજરાતમાં આજે પૂર્ણાહુતી થઈ છે. દાહોદના ઝાલોદથી શરૂ થઈને તાપીના વ્યારા ખાતે આ યાત્રા સંપન્ન થઈ છે ત્યારે શું રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતના આદિવાસી બેલ્ટમાં સંજીવનીરૂપ સાબિત થશે અને તેનો ફાયદો કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મળશે કે કેમ એ તમામ સવાલો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અને કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે જણાવ્યુ કે રાહુલ ગાંધીની આ યાત્રા ચૂંટણી લક્ષી યાત્રા નહીં પરંતુ જનજાગરણ યાત્રા છે. રાજનીતિક યાત્રા છે. રાજકીય પાર્ટીની યાત્રા છે. વિચારધારાને લઈને રાહુલ ગાંધીએ અગાઉ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા આયોજિત કરી હતી.
‘ભારત જોડો ન્યાય યાત્રાએ ચૂંટણી લક્ષી નહીં પરંતુ RSSની વિચારધારા વિરુદ્ધની લડાઈ’
આ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની છે. પરંતુ આ યાત્રાને ચૂંટણીના ચશ્માથી ન જોઈ શકીએ. આ યાત્રા લાંબા સમય સુધી અમારે કરવી પડશે, કારણ કે અમારી વિચારધારા સાથેની લડાઈ છે. અમે ભાજપ સામે ચૂંટણી લડીએ છીએ, પરંતુ RSS વિરુદ્ધ અમારે વિચારધારાની લડાઈ લડવાની છે. કોંગ્રેસને મજબુત કરવા માટે કાર્યકર્તાઓનો વિશ્વાસ વધારવા માટે આ યાત્રાનું આયોજન કરાયુ છે.
“અમારી યાત્રા ચળવળ છે, ઈવેન્ટ નથી”
જયરામ રમેશે ઊમેર્યુ કે આ યાત્રા એક ચળવળ છે. આ કોઈ ઈવેન્ટ નથી અને ચળવળ લાંબા સમય સુધી ચાલે છે. આ યાત્રાના માધ્યમથી કોંગ્રેસ તેમનો સંદેશો લોકો સુધી પહોંચાડી રહી છે. અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધે છે. અમારા નેતાઓના જે મનમાં છે તે જનતા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ. તો યાત્રા ચાલતી રહેશે. ચૂંટણી તેના સ્થાને છે સંગઠન લડતુ રહેશે. કેટલીક ચૂંટણી જીતશુ તો કેટલીક હારશુ પણ ખરા. વધુમાં તેમણે કહ્યુ રાજકીય પાર્ટીઓએ માત્ર ચૂંટણી મશીન ન બનવુ જોઈએ. જયરામ રમેશે એ પણ કહ્યુ કે અમે પણ એ જ ભૂલ કરી કે અમે ચૂંટણીલક્ષી મશીન બની ગયા, જે આજે ભાજપ પણ બની ગયુ છે. માત્ર ચૂંટણી લડવાનો અમારો ઉદ્દેશ્ય નથી.
નેત્રંગમાં અહેમદ પટેલના પરિવારે રાહુલની યાત્રાથી કિનારો કર્યો
જયરામ રમેશે નેત્રંગમાં અહેમદ પટેલના પરિવારની ગેરહાજરી અને ભરૂચ લોકસભા બેઠકને લઈને નારાજગી અંગે જણાવ્યુ કે ભરૂચ બેઠક અમે છેલ્લા 40 વર્ષથી નથી જીત્યા. જ્યારે તમે ગઠબંધનમાં જોડાયેલા હોય તો કેટલીક બેઠક આપવી પડતી હોય છે. જો કે જયરામ રમેશે જણાવ્યુ કે તેમને વિશ્વાસ છે કે ફૈસલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસ પરિવારના સભ્યો છે અને કોંગ્રેસ પાર્ટી તેમને પુરી તક આપશે.
જયરામ રમેશે જણાવ્યુ કે પીએમ મોદી અને અમિત શાહ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ જામનગરમાં એક ઉદ્યોગપતિ માટે 10 દિવસમાં ઈન્ટરનેશનલ ઍરપોર્ટ બનાવી દેવામાં આવ્યુ. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને કારણે આર્થિક વિષમતાઓ વધી છે. આ જે ઍરપોર્ટ વેચવા કાઢ્યા છે. સ્ટીલના કારખાના વેચવામાં આવી રહ્યા છે. ખાણો વેચાઈ રહી છે. બંદરો વેચાઈ રહ્યા છે. ખાનગીકરણ વધી રહ્યુ છે.
ગુજરાત મોડલને જયરામ રમેશે ગણાવ્યુ મોદી મોડલ
જયરામ રમેશે જણાવ્યુ કે ગુજરાત મોડલ પહેલેથી હતુ આજકાલનું નથી બન્યુ. ગુજરાત મોડલમાં હિતેન્દ્ર દેસાઈ મોડલ હતુ, માધવસિંહ સોલંકી મોડલ હતુ, જીણાભાઈ દરજી મોડલ હતુ., બળવંતરાય મહેતા મોડલ હતુ, જીવરાજ મહેતા મોડલ હતુ, જવાહરલાલ નહેરુના સમયમાં અહી રિફાઈનરી સ્થાપવામાં આવી હતી. ફર્ટિલાઈઝર પ્લાન્ટ સ્થપાયો એ બધુ કોંગ્રેસના જમાનામાં થયુ હતુ.