IPL 2024 PBKS vs RCB: ધર્મશાલામાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પંજાબ બહાર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને એકતરફી રીતે હરાવ્યું હતું. આ મેચમાં નિષ્ફળતા સાથે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. RCBની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી જેણે 92 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્યો હતો.
ધર્મશાલામાં રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું અને આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી. જોકે, RCB સામેની આ હાર પંજાબ માટે ભારે સાબિત થઈ છે કારણ કે આ ટીમ હવે IPL પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. પંજાબે 12માંથી માત્ર 4 મેચ જીતી છે. જ્યારે RCBએ 12 મેચમાં પાંચમી જીત નોંધાવી છે. RCB હજુ પણ પ્લેઓફની રેસમાં છે.
વિરાટ જીતનો હીરો બન્યો
RCBની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો, જેણે 47 બોલમાં 92 રનની અણનમ ઈનિંગ રમી. વિરાટે 6 સિક્સર અને 7 ફોર ફટકારી અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 200ની આસપાસ હતો. તેના સિવાય રજત પાટીદારે પણ 23 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીએ 6 સિક્સર પણ ફટકારી હતી. કેમરૂન ગ્રીએ 27 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી રિલે રુસોએ 27 બોલમાં 61 રન અને શશાંક સિંહે 19 બોલમાં 37 રન બનાવીને કેટલાક પ્રયાસો કર્યા હતા પરંતુ અંતે આ ખેલાડીઓ પણ RCBના બોલરોના શિકાર બન્યા હતા.
RCBના બોલરોની તાકાત
RCBના બોલરોએ ધર્મશાલા મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. સ્વપ્નિલ સિંહ, લોકી ફર્ગ્યુસન અને કરણ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. અંતે પંજાબની ટીમ બેંગલુરુ સામે 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
RCBની ઈનિંગ વિશે મોટી વાતો
- પાવરપ્લેમાં RCBએ ઝડપી બેટિંગ કરી, પાવરપ્લેમાં 56 રન બનાવ્યા પરંતુ 2 વિકેટ પણ ગુમાવી.
- ડુપ્લેસિસ 9 રન અને વિલ જેક્સ 12 રન બનાવી શક્યો.
- વિરાટ અને પાટીદારે 21 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. બંનેએ 32 બોલમાં 76 રનની પાર્ટનરશિપ કરી.
- રજત પાટીદારે 21 બોલમાં અડધી સદી ફટકારી, 55 રનની ઈનિંગ રમી.
- કેમરન ગ્રીન અને વિરાટ કોહલીએ 46 બોલમાં 92 રનની ભાગીદારી કરી.
- કોહલીએ 47 બોલમાં 92 રન ફટકારીને 32 બોલમાં અડધી સદી ફટકારી.
- RCBના બેટ્સમેનોએ 16 છગ્ગા ફટકાર્યા. વિરાટ અને પાટીદારે 6 છગ્ગા ફટકાર્યા.
પંજાબની ઈનિંગની મોટી વાતો
- રિલે રૂસોએ 27 બોલમાં 61 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીએ 21 બોલમાં અડધી સદી ફટકારી.
- જોની બેયરસ્ટો અને રૂસો વચ્ચે 31 બોલમાં 65 રનની ભાગીદારી થઈ.
- શશાંક સિંહે 19 બોલમાં 37 રન, સેમ કરને 22 રનની ઈનિંગ રમી.
- પંજાબ તરફથી માત્ર એક અડધી સદીની ભાગીદારી થઈ.
આ પણ વાંચો : IPL 2024માં કેએલ રાહુલની આવી હાલત પાછળ તેની ચાર ભૂલો છે જવાબદાર, હવે LSGમાંથી બહાર થઈ શકે