વાહ રે વિકાસ મોડલ ! ભાવનગરમાં ખોલી જેવડી નાનકડી દુકાનમાં ભૂલકાઓને બેસાડી ચલાવાય છે આંગણવાડી- જુઓ દૃશ્યો
ભાવનગરના શિવનગરમાં 50 ભૂલકાઓને એક ખોલી જેવડી નાનકડી દુકાનમાં 50 ભૂલકાઓને એકસાથે બેસાડી આંગણવાડી ચલાવવામાં આવે છેએ. શિવનગરની 151 નંબરની આંગણવાડીનું મકાન જર્જરીત થયુ હોવાથી બાળકોને દુકાનમાં બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સવાલ એ પણ છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટે દુકાન જ મળી !
વાત છે ભાવનગરના શિવનગરની. જ્યાં 151 નંબરની આંગણવાડીનું મકાન જર્જરીત થવાથી ભૂલકાઓની શું હાલત છે તે અહીં દૃશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. વિકાસશીલ ગુજરાત મોડલના આવા દૃશ્યો પણ ક્યારેક જોવા મળે તો નવાઈ ન પામવી.
અહીં ઘેટાબકરાને ભર્યા હોય તેમ 50 જેટલા ભૂલકાઓને એક ખોલી જેવડી નાનકડી દુકાનમાં બેસાડવામાં આવ્યા છે, જો કે જે જર્જરીત મકાનને કારણે આંગણવાડીના બાળકોને આ દુકાનમાં બેસાડવામાં આવ્યા છે એ દુકાન પણ જર્જરીત હાલતમાં જ છે. ત્યારે સવાલ એ પણ છે કે આ ભૂલકાઓની સલામતીનું શું? જો અહીં કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની?
બજેટમાં આંગણવાડી માટે 6.60 કરોડ ફાળવાયા છતા આ દશા
જે દુકાનમાં ઠાંસોઠાંસ ભરીને બાળકોને બેસાડવામાં આવ્યા છે ત્યાં બાળકો દફતર તો કેવી રીતે ખોલી શક્તા હશે અને કેવી રીતે ભણતા હશે અને ક્યાં નાસ્તો કરતા હશે તે પણ મોટો સવાલ છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ પૈકી ભાવનગર શહેરની આંગણવાડીના આ દશા છે તો અન્ય નાના ગામડાઓમાં તો શું દશા હશે તે પણ શંકા ઉપજાવનારુ છે. રાજ્યમાં વિકાસના કામો પાછળ કરોડોનું આંધણ કરવામાં આવે છે. તાજેતરમાં જ ભાવનગર મહાનગરપાલિકાનું 1327 કરોડનું વિકાસશીલ બજેટ રજૂ મંજૂર કરવામાં આવ્યુ છે. જેમા 6.60 કરોડના ખર્ચે આંગણવાડી બનાવવાની યોજના છે. કરોડો રૂપિયા બજેટમાં આંગણવાડી પાછળ ફાળવવાના દાવા કરાય છે પરંતુ હકીકત અહીં જે દૃશ્યોમાં દેખાય છે તે ખોલી જેવી ખોખલી છે.
આ પણ વાંચો: પહેલા ટામેટા પછી ડુંગળી અને હવે લસણના ભાવ ઉંચકાતા ગૃહિણીઓનું ખોરવાયુ બજેટ, સામાન્ય લોકોની પહોંચથી થયુ દૂર
વારંવારની રજૂઆત છતા આંગણવાડીની માગ પર ધ્યાન કેમ નથી અપાતુ?
બાળકોના વાલીઓનો આક્ષેપ છે કે આંગણવાડીના સંચાલકો અને સ્થાનિકો પણ આંગણવાડીના મકાન માટે વારંવાર રજૂઆત કરી ચુક્યા છે પરંતુ તંત્રને તેની કંઈ પડી જ નથી. આ તરફ સંચાલકોનો દાવો છે કે તેમણે આંગવાડીના મકાન માટે વારંવાર રજૂઆત કરી છે, તો, પછી આંગણવાડીની માગ પર ધ્યાન શા માટે નથી અપાતું ? શું માત્ર દેખાડા માટે જ બજેટમાં નવી આંગણવાડીની યોજનાનો ઉલ્લેખ કરાય છે. શું દુર્ઘટના બાદ જ તંત્રને દોડવાની આદત પડી ગઈ છે.? હાલ તો એસી ઓફિસોમાં બેસી આદેશો છોડવાના આદિ બનેલા અધિકારીઓને ભૂલકાઓના ભવિષ્યની કોઈ ફિકર હોય તેવુ જણાતુ નથી.