રાજ્યમાં વિવિધ માગોને લઈને અનેક જિલ્લામાં ઉઠ્યા વિરોધના સૂર, નવસારીમાં RTO સામે દેખાવ તો મહિસાગરમાં RTO કર્મચારીઓના ધરણા
રાજ્યમાં અનક જિલ્લામાં વિવિધ મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો છે. જેમા નવસારીમાં RTO સામે બદલાની ભાવનાથી કરાતી તપાસ અને ચાર્જશીટ મુકવા બાબતે વિરોધ થયો તો મહિસાગરમાં RTO કચેરીના ટેકનિકલ કર્મચારીઓ અને અધિકારીઓએ વિવિધ પડતર માગ મુદ્દે વિરોધ કર્યો
રાજ્યમાં ગુરુવારનો દિવસ જાણે વિરોધનો દિવસ બની રહ્યો છએ. રાજ્યના અનેક જિલ્લામાં વિવિધ માગો મુદ્દે વિરોધ સામે આવ્યો. સૌપ્રથમ વાત કરીએ નવસારીની તો નવસારીમાંRTO કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. RTO અધિકારીઓ સામે બદલાની ભાવનાથી કરાતી તપાસ અને ચાર્જશીટ મુકવા સામે વિરોધ નોંધાવ્યો હતો.
અધિકારીઓને કરાતી હેરાનગતિના વિરોધમાં ટેકનિકલ સ્ટાફ 4 માર્ચે સામૂહિક રજા પાડશે. હાલમાં 38 અધિકારીઓનું પ્રોબેશન છેલ્લા દસેક વર્ષથી ટલ્લે ચડ્યું છે. 2018ની બેચના 23 અધિકારીઓને ક્ષુલ્લક બાબતોને આધારે નોટિસ અને ચાર્જશીટ આપતા સરકાર સામે રોષ દર્શાવ્યો છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અધિકારીઓએ દેખાવો કરી ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ટેસ્ટ ટ્રેક સમસ્યાનુ નિરાકરણ, અધિકારીઓને યુનિફોર્મ અને વોશિંગ ભથ્થુ આપવા માગ, આરટીઓની સરકારી એપ ચલાવવા ઇન્ટરનેટ ભથ્થુ આપવા સહિતની માગ મુદ્દે વિરોધ નોંધાવ્યો. તેમની માગોનું નિરાકરણ નહીં આવે તો 4 માર્ચે માસ સી.એલ. અને ત્યારબાદ 11 માર્ચે અમૂદતી માસ સી.એલ. પાડવાની પણ કર્મચારીઓએ તંત્રને ચીમકી આપી છે.
મહિસાગરમાં RTO કચેરીના ટેકનિકલ અધિકારીઓએ કર્યો વિરોધ
મહિસાગરની વાત કરીએ તો રાજ્યમાં RTO કચેરીના ટેકનિકલ અધિકારી કર્મચારીઓ વિવિધ પડતર માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ. RTO કચેરી ખાતે ઓફિસ સમય પહેલા અને રીશેષ સમયે ટેકનીકલ અધિકારી કર્મચારીઓ દ્વારા સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. કર્મચારીઓ 19 જેટલી વિવિધ પડતર માગણીઓને લઈ વિરોધ કરી રહ્યા છે. આજે સુત્રોચ્ચાર સાથે ઘંટનાદ કરી અધિકારી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓએ 4 માર્ચ સુધીમાં પોતાની માગ નહિ સ્વીકારાય તો આગામી 11 માર્ચે અચોક્કસ મુદતની માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
મહિધરપુરા ગલેમંડી શેરીમાં લોકોએ કર્યો અનોખો વિરોધ
આ તરફ સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. મહિધરપુરા ગલેમંડી શેરીમાં લોકોએ કર્યો અનોખો વિરોધ નોંધાવ્યો. પાણી જોડાણના કામ બાદ થિંગડા મારવા આવવું નહીંના બેનર લગાવ્યા હતા. શેરીમાં થિંગડા મારવાની કામગીરી સામે બેનરો લગાડાયા હતા. સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું. પાણીની લાઇન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. હાલમાં સ્થાનિકો રોડ પર જ્યાં ત્યાં ચાલી રહેલી કામગીરીને કારણે પણ હાલાકી વેઠી રહ્યા છે.
જેતપુરના જૂની સાંકળી ગામના લોકોએ અન્ડરબ્રિજની કામગીરીનો કર્યો વિરોધ
રાજકોટના જેતપુરના જૂની સાંકળીના ગ્રામજનોએ રેલવે ઓથોરિટી દ્વારા બનાવાતા અન્ડરબ્રિજનો વિરોધ કર્યો. ચોમાસામાં અન્ડરબ્રિજમાં પાણી ભરાતા બંધ થઇ શકે તેવી રાવ સાથે ગ્રામજનોએ વિરોધ કરીને અન્ડરબ્રિજનું કામ અટકાવ્યું હતુ. પરબડી અને ફરેણી ગામ તરફ જવાનો માર્ગ બનાવવા માગ ગામલોકો કરી રહ્યા છે. ગામલોકોનો આક્ષેપ છે કે રેલવે ઓથોરિટીએ માત્ર પરબડી તરફ જવાનો માર્ગ બનાવ્યા છે.
સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ હાઇવે પર ચક્કાજામ
આ તરફ સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો. પીવાના પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. પાલિકા પીવાનુ પાણી સમયસર વિતરણ ન કરતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. હાઈવે પર ચક્કાજામને પગલે હાઇવે પર લાગી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સ્થાનિકોનો આરોપ છે કે 8 વાર વિરોધ નોંધાવ્યો છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકાનો પાણીનો વાલ્વ તોડી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
સોમનાથ ટ્રસ્ટે રસ્તો બંધ કરી દેતા સ્થાનિકોએ પાળ્યો બંધ
યાત્રાધામ સોમનાથ મંદિર પરિસર આસપાસ આવેલ રસ્તાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દીવાલો બનાવી દેતા સ્થાનિકોમાં આક્રોશ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સોમનાથ ટ્રસ્ટે ચાલુ રસ્તા પર દીવાલ બનાવી દીધી છે. પ્રભાસ પાટણ શહેરમાં સજ્જડ બંધ પાળીને સ્થાનિકો અને વેપારીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મુદ્દે કાર્યવાહી કરવા રજૂઆત કરી.